નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે પ્રેરણાદાયક અને પર્યાવરણીય રીતે જવાબદાર ગણેશ ઉત્સવ 2025ની ઉજવણી જોવા મળી હતી. 6 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના પવિત્ર દિવસે ગણેશજીની પ્રતિમાનું મંદિર પરિસરમાં જ ખાસ બનાવેલા પાણીના કુંડમાં ભક્તિભાવથી વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઔપચારિક પરિક્રમા પછી, આધુનિક જવાબદારી સાથે સાંસ્કૃતિક પરંપરાઓ કેવી રીતે જાળવી શકાય તેનું મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું.

પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ જણાવ્યું હતું કે સાચી ભક્તિ સભાન વ્યવહારમાં પણ રહેલી છે. પર્યાવરણ અને દેશના કાયદાઓ પ્રત્યે આદર સાથે હાથ મિલાવીને આપણી આપણી શ્રદ્ધા સાથે જવાબદારીપૂર્વક ઉજવણી કરવી જોઇએ. આપણા દેવતાઓનું સન્માન કરવા સાથે અન્ય સમુદાયો માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરીને આપણે ઉજવણી કરવી જોઇએ.”

સિદ્ધાશ્રમ ખાતે દસ દિવસના ઉત્સવ દરમિયાન ૩૦ ઓગસ્ટના રોજ ગણેશ મંત્ર સાધના અને હનુમાન ચાલીસાના જાપ સાથે ભાવનાત્મક ભજન, પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાથે વિવિધ ભક્તિમય પ્રવૃત્તિઓ આદરવામાં આવી હતી. ૨ સપ્ટેમ્બરના રોજ ભગવાન ગણેશ સમક્ષ અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

લંડનમાં આધ્યાત્મિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણીના કેન્દ્ર તરીકે વિખ્યાત સિદ્ધાશ્રમ આ મહોત્સવમાં પર્યાવરણ પ્રત્યે સભાન વિસર્જન પરંપરા અને જવાબદારીના મિશ્રણના પ્રતીક તરીકે ઉભરી આવ્યું હતું.

LEAVE A REPLY