મહાવીર ફાઉન્ડેશનના સંઘના સભ્યો દ્વારા આ વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધીના કુલ 120થી પણ વધુ અનન્ય અને અવિસ્મરણીય તપસ્યા કરવામાં આવી હતી. આ વર્ષે તપસ્યાનો નવો રેકોર્ડ નોંધાયો છે, જે સંસ્થાના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાઈ છે.
તપસ્યા માત્ર ઉપવાસ કે આહારનો ત્યાગ નથી, પરંતુ મન, વાણી અને શરીરને સંયમમાં રાખવાનો પવિત્ર પ્રયાસ છે. આ તપસ્યાઓ દ્વારા આત્માની શુદ્ધિ, કર્મોની નિર્વૃતિ અને પરમ શાંતિના માર્ગે એક અદ્વિતીય યાત્રા શરૂ થાય છે. પર્યુષણ પર્વ દરમિયાન કરાયેલ આ તપસ્યાઓ આત્મશોધ અને ક્ષમાપણા તરફનું અમૂલ્ય પગલું છે.
ખાસ કરીને બાળકો દ્વારા કરવામાં આવેલી તપસ્યા સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે, કારણ કે તેમાં ભાવિ પેઢીના જીવનમાં સંસ્કાર, ધાર્મિકતા અને ત્યાગભાવના વિકસાવવાની શક્તિ રહેલી છે.
મહાવીર ફાઉન્ડેશન દ્વારા ખાસ ભક્તિભાવના માટે આમંત્રિત કરવામાં આવેલા મુંબઈના પ્રખ્યાત ગાયક શ્રી હર્ષિતભાઈ શાહના મધુર સ્વરોથી સમગ્ર સંઘ ભાવવિભોર થયો હતો. તો દરરોજ સવારે ડૉ. સૌરભભાઈ શાહના પ્રેરણાદાયી પ્રવચનો અને આધ્યાત્મિક જ્ઞાનનો શ્રદ્ધાળુઓએ અમૂલ્ય લાભ લીધો હતો.
મહાવીર જન્મ વંચનના પાવન પ્રસંગે આશરે 1,800 લોકોએ ચૌવ્યારનો લાભ લીધો હતો અને અંદાજે 2,200 લોકોએ ભગવાન જન્મના પારણાં ઝુલાવ્યા હતા. સમગ્ર વાતાવરણ “મહાવીર સ્વામી ભગવાનનો જય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
1 તપસ્વીએ ૩૦ ઉપવાસ, 3 તપસ્વીએ 16 ઉપવાસ, 1 તપસ્વીએ 12 ઉપવાસ, 6 તપસ્વીએ 11 ઉપવાસ, 3 તપસ્વીએ 10 ઉપવાસ, 9 તપસ્વીએ 9 ઉપવાસ, 90 તપસ્વીએ 8 ઉપવાસ (અઠ્ઠાઇ), 6 તપસ્વીએ 6 ઉપવાસ અને 3 તપસ્વીએ 3 ક્ષીર સમુદ્ર ઉપવાસ કર્યા હતા.
પારણોત્સવના દિવસે 1,500થી વધુ શ્રદ્ધાળુઓએ સ્વામીવાત્સલ્યનો લાભ લીધો હતો અને સૌએ સાથે મળીને ભક્તિ, ભાવના અને ભોજનનો પરમ આનંદ અનુભવ્યો હતો.
મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નિરજ સુતારિયા અને ઉપપ્રમુખ શ્રી મુકેશ કપાશીએ જણાવ્યું હતું કે “જૈન શાસનનો ડંકો આખા વિશ્વમાં ગુંજે તે માટે સંસ્થા અવિરત પ્રયત્નશીલ છે. સંઘના સભ્યો અને કમિટિના સભ્યોના અથાક પ્રયાસોથી આજે મહાવીર ફાઉન્ડેશન એક આદર્શ રૂપે ઉભરી રહ્યું છે.”
પ્રમુખશ્રી નિરજ સુતારિયાએ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી શ્રી સંઘ અને મહાવીર ફાઉન્ડેશન કમિટીના સભ્યોના સમર્પણ, શ્રદ્ધા અને અવિરત મહેનતના કારણે આ પર્વને યાદગાર બનાવવામાં સફળતા મળી છે.
સંસ્થાએ અંતમાં સંદેશ આપ્યો હતો કે “સનાતન ધર્મના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં શાંતિનો ડંકો વાગે અને અહિંસા, અપરિગ્રહ અને ક્ષમાના પવિત્ર સંદેશનો પ્રસાર થાય” – એ જ અમારી ભાવના છે.
