ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશન્સ (FPA) દ્વારા નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલી ખાતે આવેલા પાટીદાર હાઉસમાં 29 ઓગસ્ટના રોજ હેરોના નવનિયુક્ત મેયર કાઉન્સિલર અંજના પટેલનું ખાસ ડીનર રીસેપ્શનમાં સન્માન કરવામાં આવ્યું હતું.
ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ પટેલે મેયર અંજનાબેન પટેલની સફળતાની યાત્રાની પ્રશંસા કરતા કહ્યું હતું કે “સમુદાય પ્રત્યે સમર્પણ, દયા અને સેવા કેવી રીતે કરવી તે માટેની અંજનાબેનની પ્રેરણા આપણને સૌને આ સન્માન તરફ દોરી ગઇ છે.”
અંજનાબેન પટેલની સિદ્ધિઓને માન્યતા આપવા માટે ઉપસ્થિત રહેલા FPA સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનોનું FPA પ્રમુખ જગદીશ પટેલે સ્વાગત કર્યું હતું અને સમાજની પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે પાટીદાર હાઉસની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
મહેમાનોએ સ્થાનિક કાર્યક્રમોમાં સ્ટોલ લગાવવા અને ભોજન પીરસવાથી લઈને હેરો કાઉન્સિલમાં તેમના નેતૃત્વ સુધીની અંજનાબેનની લાંબા સમયની સેવાઓની સરાહના કરી હતી. સમાનતા અને વિવિધતા માટેના લીડ મેમ્બર તરીકે અંજનાબેન પટેલે 2007માં “બી અ કાઉન્સિલર” અભિયાન શરૂ કર્યું હતું. જેમાં મહિલાઓ, યુવાનો અને વંશીય લઘુમતીઓને સ્થાનિક લોકશાહીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજકારણ ઉપરાંત, તેમણે દાયકાઓ સુધી ચેરિટી અને સમુદાય જૂથોની સેવા કરી છે.
આ કાર્યક્રમમાં FPA ટ્રસ્ટીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પાટીદાર હાઉસની સ્થાપનામાં મદદ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. એક ભાવનાત્મક સંકેત તરીકે, ઉપસ્થિત સૌએ અંજનાબેન પટેલે પસંદ કરેલી ચેરિટી – ધ સમરિટન્સ અને VIA ને ટેકો આપવાનું વચન આપ્યું હતું. જે માનસિક સ્વાસ્થ્ય અને માદક દ્રવ્યોના દુરૂપયોગમાંથી લોકોને મુક્તિ અપાવવામાં મદદ કરે છે.
તેમના સંબોધનમાં, મેયર પટેલે સમુદાયના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે “આ સિદ્ધિ મારી એકલી નથી, પરંતુ આપણી સૌની છે.”
સેક્રેટરી અશ્વિન પટેલે આભાર માન્યો હતો.
