યુનાઈટેડ આરબ અમિરાતમાં રમાઈ રહેલી એશિયા કપ ટી-20માં ગ્રુપ સ્ટેજ પત્યા પછી સુપર ફોર સ્ટેજમાં પણ રવિવારે ભારત – પાકિસ્તાન વચ્ચેના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાનનો છ વિકેટે પરાજય થયો હતો. આ મેચમાં પણ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચેની કડવાશ ઉડીને આંખે વળગે તેટલી હદે વર્તાઈ આવી હતી અને પાકિસ્તાની ટીમે તેની લાક્ષણિક ઉશ્કેરણીજનક હરકતો દર્શાવી હતી, તો ભારતીય ખેલાડીઓએ પોતાની આક્રમક અને સર્વગ્રાહી રીતે પાકિસ્તાન ઉપર છવાઈ જઈને તેનો સણસણતો જવાબ આપ્યો હતો. ભારતે ટોસ જીતી પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો, જે પાકિસ્તાનની ઈનિંગ દરમિયાન તો મોંઘો પુરવાર થવાના અણસાર દેખાતા હતા, પણ ભારતની યુવા ઓપનિંગ જોડી – અભિષેક શર્મા અને શુભમન ગિલે સદીની ભાગીદારી દ્વારા હરીફ ટીમના ટક્કર લેવાના ઈરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું. અભિષેકને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
પાકિસ્તાને પાંચ વિકેટે 171 રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે 18.5 ઓવરમાં ચાર વિકેટે 174 રન કરી છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ભારતના આ વિજયમાં યુવા ઓપનર અભિષેક શર્માએ કેટલાક નવા રેકોર્ડ્સ સાથે 39 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા સાથે 74 રન કર્યા હતા. તેણે અડદી સદી તો 24 બોલમાં જ કરી નાખી હતી. જો કે, શુભમન ગિલ થોડા માટે અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 28 બોલમાં 8 ચોગ્ગા સાથે 47 રન કર્યા હતા. આ બન્ને ઉપરાંત તિલક વર્માએ 19 બોલમાં અણનમ 30 અને સંજુ સેમસને 17 બોલમાં 13 રન કર્યા હતા, તો સુકાની સૂર્યકુમાર યાદવ એકપણ રન કર્યા વિના વિદાય થયો હતો.
પાકિસ્તાન તરફથી ઓપનર સાહિબઝાદા ફરહાને 45 બોલમાં 58 કર્યા હતા, તેના સિવાય કોઈ બેટર 25 રન સુધી પહોંચી શક્યો નહોતો. ભારતે છ બોલર અજમાવ્યા હતા, અસાધારણ કહી શકાય તેવી હકિકતમાં જસપ્રીત બુમરાહ એકપણ વિકેટ લઈ શક્યો નહોતો અને ચાર ઓવરમાં 45 રન આપી સૌથી મોંઘો પણ સાબિત થયો હતો. શિવમ્ દુબેએ 33 રન આપી બે તથા કુલદીપ યાદવે 31 રન આપી એક તથા હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 29 રન આપી એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના મુખ્ય બોલર શાહિન શાહ આફ્રિદીને પણ રવિવારે એકેય વિકેટ નહોતી મળી, તો તેણે 3.5 ઓવરમાં 40 રન આપ્યા હતા, ટીમનો સ્પિનર સૈમ અયુબ એકપણ વિકેટ લીધા વિના 3 ઓવરમાં 35 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો.
રવિવારના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન, બન્નેની ફિલ્ડીંગ ખાસ કરીને કેચના સંદર્ભમાં ઘણી નબળી રહી અને કેટલાક કેચ પડતા મુકાયા હતા.
ફરહાનની બંદૂક ચલાવવાની સ્ટાઈલમાં સેલિબ્રેશનની શરમજનક હરકત
પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને રવિવારે એશિયા કપની ભારત સામેની અડધી સદી કરી હતી. તેને બે ચાન્સ પણ મળ્યા હતા. અડધી સદી કર્યા પછી તેણે શરમજનક હરકત કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
તેના આ રીતે સેલિબ્રેશન કરવા અંગે વિવાદ પણ થયો હતો. તેણે આ રીતે ભારતીયોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ફરહાને સ્પિનર અક્ષર પટેલની બોલિંગમાં છગ્ગો ફટકારી અડધી સદી કરી હતી.














