
નાઇજેલ ફરાજના નેતૃત્વ હેઠળ રિફોર્મ યુકેએ એક વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિ રજૂ કરી જાહેરાત કરી છે કે તેઓ જો આગામી ચૂંટણીઓમાં વિજય મેળવશે તો માઇગ્રન્ટ્સના પાંચ વર્ષ પછી યુકેમાં કાયમી વસવાટ માટે લાયક બનવાના ઇન્ડેફીનેટ લીવ ટુ રિમેઇન (ILR) અધિકારને નાબૂદ કરશે. જો આ યોજના અમલી બનશે તો માઇગ્રન્ટ્સને મળતા બેનીફીટ અને અન્ય લાભો પર રોક લાગશે.
રિફોર્મ બ્રિટિશ નાગરિકો સિવાય અન્ય કોઈપણને સોસ્યલ બેનીફીટ મેળવતા રોકવા માટેની યોજનાઓ પણ જાહેર કરનાર છે. પાર્ટીનો દાવો છે કે તેમની યોજનાઓ આગામી દાયકાઓમાં £234 બિલિયન બચાવશે.
આ યોજના અમલી બનશે તો હાલમાં યુકેમાં વસતા લાખો માઇગ્રન્ટ્સ યુકેમાં સ્થાયી થવાનો અધિકાર ગુમાવી શકે છે; જો કે વિથડ્રોલ એગ્રીમેન્ટ અંતર્ગત સુરક્ષિત EU નાગરિકોને મુક્તિ આપવામાં આવી છે. આ યોજના હેઠળ યુકેનું નાગરિકત્વ મેળવવા માટે સરેરાશ રાહ જોવાનો સમય છથી વધીને સાત વર્ષ થશે.
આ દરખાસ્ત અંતર્ગત ઇન્ડેફીનેટ લીવ ટુ રિમેઇન (ILR) ને બદલે રીન્યુ કરાવી શકાય તેવા પાંચ વર્ષના વિઝા અપવાનું શરૂ કરશે. આ નવા વિઝા ઉચ્ચ પગારનો થ્રેશોલ્ડ, એડવાન્સ્ડ ઇંગ્લીશ કુશળતા અને વેલ્ફેર બેનીફીટ લેવા પર પ્રતિબંધ જેવી કડક આવશ્યકતાઓની શરતે આપવામાં આવશે. હાલના ILR ધરાવતા લોકોને પણ નવી સિસ્ટમ હેઠળ ફરીથી અરજી કરવાની જરૂર પડશે.
ચાન્સેલર રેચલ રીવ્સે આ દરખાસ્તની ટીકા કરી, તેને “અવાસ્તવિક અને પાયા વિના”ની ગણાવી દાવો કર્યો હતો કે £234 બિલિયનની બચત થઇ શકશે નહિં. તેમણે નોંધ્યું હતું કે સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝે આ આંકડો પાછો ખેંચી લીધો છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ યોજનાઓને “અધૂરી અને નકામી” ગણાવી, રિફોર્મ યુકે પર યોગ્ય અમલીકરણ વિના કન્ઝર્વેટિવ વિચારોની નકલ કરવાનો આરોપ મૂક્યો હતો.
લંડનના મેયર સાદિક ખાને દરખાસ્તોને “અસ્વીકાર્ય” ગણાવી, વિભાજનને પ્રોત્સાહન આપવાની અને સામાજિક એકતાને નબળી પાડવાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી હતી.
બિઝનેસ લીડર્સે ચેતવણી આપી હતી કે આ નીતિ લેબરની અછત પેદા કરશે અને અર્થતંત્રમાં વિક્ષેપ લાવશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને રેફ્યુજી કાઉન્સિલ જેવા જૂથોએ આ યોજનાની નિંદા કરી, દલીલ કરી હતી કે તે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરશે અને લાંબા ગાળાના રહેવાસીઓની સ્થિતિને જોખમમાં મૂકશે.
રીફોર્મની આ જાહેરાતથી સમગ્ર યુકેમાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. સમર્થકો દલીલ કરે છે કે ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા અને જાહેર સેવાઓ પર દબાણ ઘટાડવા માટે નીતિ જરૂરી છે. જોકે, વિરોધીઓને ડર છે કે આ યોજના મોટા પાયે દેશનિકાલ તરફ દોરી શકે છે અને સંવેદનશીલ સમુદાયોને નુકસાન પહોંચાડી શકે છે.
રિફોર્મ યુકેના પ્રસ્તાવિત ઇમિગ્રેશન સુધારાથી રાજકીય અને જાહેર ચર્ચાઓનો જુવાળ જાગ્યો છે. જ્યારે પાર્ટી આ નીતિને બ્રિટિશ હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલા તરીકે રજૂ કરે છે. તો ટીકાકારો ચેતવણી આપે છે કે તેના કારણે સામાજિક અને આર્થિક ઉથલપાથલ થઈ શકે છે. આગામી સામાન્ય ચૂંટણી નજીક આવતાં, આ મુદ્દો રાષ્ટ્રીય ચર્ચામાં કેન્દ્રબિંદુ બની રહેવાની શક્યતા છે.
રીફોર્મ મૂડી રોકાણ અને ઇનોવેશનને આકર્ષવા માટે ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો માટે વિઝા વધારવાની યોજના ધરાવે છે. નવી યોજના અંતર્ગત એક્યુટ સ્કીલ્સ શોર્ટેજ વિઝા (ASSV) હેઠળ ઘરેલુ કામદારને તાલીમ આપે તેવા વિદેશી કામદારોને જ નોકરી પર રાખવાની મંજૂરી આપશે.
ફરાજની આ નીતિનો હેતુ “બોરિસ લહેર” – બ્રેક્ઝિટ પછી હળવા કરાયેલા નિયમો હેઠળ યુકેમાં પ્રવેશેલા 3.8 મિલિયન માઇગ્રન્સને નાગરીક બનતા રોકવાનો છે. વળી આ સુધારાનો હેતુ એવા લોકોના સામૂહિક દેશનિકાલનો છે જેઓ ILR અને વેલ્ફેર ઍક્સેસ ગુમાવ્યા પછી સ્વેચ્છાએ પોતાના જદેશમાં પરત જતા નથી.
