
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અભૂતપૂર્વ બીજી સ્ટેટ વિઝીટ દરમિયાન ગયા અઠવાડિયે બ્રિટનમાં શાહી ભવ્યતા અને રાજકીય ધામધૂમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજા ચાર્લ્સ III અને વડા પ્રધાન કેર સ્ટાર્મર દ્વારા આયોજિત ત્રણ દિવસીય મુલાકાતમાં વિન્ડસર કાસલ ખાતે ઔપચારિક ભવ્યતા સાથે £150 બિલિયનના મુખ્ય આર્થિક સોદાઓનો સમાવેશ કરાયો હતો.
કોઈ પણ યુએસ રાષ્ટ્રપતિએ યુકેની બે વખત મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ 16 સપ્ટેમ્બરના રોજ સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું સંપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર, 41 તોપોની સલામી અને વિન્ડસર ગ્રાઉન્ડમાંથી શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સેન્ટ જ્યોર્જ હોલમાં સ્ટેટ બેન્ક્વેટ સમારંભમાં જોડાતા પહેલા અમેરિકન રાજદૂતના નિવાસસ્થાન વિનફિલ્ડ હાઉસમાં પ્રથમ રાત્રિ વિતાવી હતી.
સૌથી આકર્ષક વિધિઓમાં બ્રિટિશ અને અમેરિકન F-35 જેટ સાથે RAF રેડ એરોનો ફ્લાયપાસ્ટ હતો. ટ્રમ્પે સેન્ટ જ્યોર્જ ચેપલમાં રાણી એલિઝાબેથ II ના ટોમ્બ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે યુકે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેના ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. શાહી ભવ્યતા ઉપરાંત, ડાઉનિંગ સ્ટ્રીટે આ મુલાકાત અને યુએસ કંપનીઓ તરફથી મળેલા વિદેશી રોકાણ પ્રતિબદ્ધતાઓના સૌથી મોટા સિંગલ પેકેજ તરીકે ગણાવ્યું હતું. આ રોકાણમાં દિગ્ગજ બ્લેકસ્ટોન દ્વારા સંચાલિત £150 બિલિયનના પ્લેજીસમાં લાઇફ સાયન્સ, એડવાન્સ મેન્યુફેક્ચરીંગ, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને નાગરિક પરમાણુ ઊર્જાનો સમાવેશ થાય છે. સરકારનો અંદાજ છે કે આ પ્રતિબદ્ધતાઓ દેશભરમાં 7,600 થી વધુ હાઇ સ્કીલ્ડ નોકરીઓ ઉભી કરશે.
પાલેન્ટિર, પ્રોલોજીસ અને એમેન્ટમ સહિત અન્ય કંપનીઓએ નવા માળખા હેઠળ મોટા પ્રોજેક્ટ્સનો સંકેત આપ્યો હતો, જેને “ટેક પ્રોસ્પરીટી ડીલ” કહેવામાં આવે છે. ગ્લેક્સોસ્મિથક્લાઇન જેવી યુકેની કંપનીઓએ પણ યુએસમાં પારસ્પરિક રોકાણોની જાહેરાત કરી હતી.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે આપણે આ કરારને નવા યુગ માટે આકાર આપી રહ્યાં છીએ, પરંતુ મૂળભૂત સંબંધો બદલાયા નથી. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ તેમના ભવ્ય આતિથ્ય માટે ખૂબ આભારી છે. ટ્રમ્પે બ્રિટનના કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાને બે શાનદાર વ્યક્તિ પણ ગણાવ્યા હતાં.
વડા પ્રધાન સ્ટાર્મરે આ કરારોને “વૈશ્વિક વિજ્ઞાન અને ટેકનોલોજીની સીમા પર બ્રિટનનું સ્થાન મજબૂત કરવા માટે પેઢીમાં એક વાર મળતી તક” તરીકે વર્ણવ્યા હતા. ટ્રમ્પે સ્ટાર્મર સાથે વાત કરતા આ ભાગીદારીને “યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના અતૂટ બંધન” ના પુરાવા તરીકે બિરદાવી હતી.
વિવાદો હોવા છતાં, સ્ટાર્મર સરકારે આગ્રહ કર્યો હતો કે મુલાકાત એક જબરદસ્ત સફળતા હતી. જો કે બ્રિટન માટે, કસોટી એ હશે કે શું ચમકતી જાહેરાતો વાસ્તવિક આર્થિક પરિવર્તનમાં પરિણમે છે – અને શું જાહેર અભિપ્રાય ઊંડા ધ્રુવીકરણ કરનારા અમેરિકન રાષ્ટ્રપતિને મળવાની કિંમત સ્વીકારે છે.

ટ્રમ્પે મેયર સાદિક ખાનને ડીનર માટે અમંત્રણ ન અપવા દીધું
અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર લંડનનાં મેયર સાદિક ખાનને દુનિયાનાં ખરાબમાં ખરાબ માણસ ગણાવી મુલાકાત વખતે સાદિક ખાનને આમંત્રણ નહીં આપવા સત્તાવાળાઓને તાકીદ કરી હતી. જેને કારણે ખાને ડિનરમાં હાજર રહેવા રસ દર્શાવ્યો હોવા છતાય ખાનને કાર્યક્રમમાં સામેલ કરાયા નહોતા.
ટ્રમ્પે સાદિક ખાન પર સેક્સ અપરાધ અને ઈમિગ્રેશનને લગતા કેસોમાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે લંડનમાં ગુનાખોરી ચરમસીમાએ છે અને મેયર સાદિક ખાનની કામગીરી ઘણી ખરાબ છે. ઈમિગ્રેશનનાં મામલે તો તેઓ એક આફત સમાન છે.
યુકે મુલાકાત દરમિયાન ટ્રમ્પે ફરીથી ભારત-પાકિસ્તાન સંઘર્ષના સમાધાનનો દાવો કર્યો
યુકેની સ્ટેટ વિઝીટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બકિંગહામશાયરમાં વડા પ્રધાનના ગ્રામ્ય નિવાસસ્થાન ચેકર્સ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઉકેલવા માટે પોતે હસ્તક્ષેપ કર્યો હોવાનો ગુરુવારે દાવો કર્યો હતો.
કેર સ્ટાર્મર સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની “સૌથી મોટી નિરાશા” એ હતી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર “તેમને નિરાશ કર્યા” હતા પરંતુ ભારત અને પાકિસ્તાન વેપારના સાધનનો ઉપયોગ કરીને તેઓ સફળ થયા હતા.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીક હોવા છતાં ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરી ફરીથી કહ્યું હતુ કે “તમે [ભારત અને પાકિસ્તાન] અમારી સાથે વેપાર કરવા માંગો છો, તો તમારે સાથે રહેવું પડશે. હું ભારતના વડા પ્રધાનની ખૂબ નજીક છું અમને મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે વાત કરી હતી. અમારા સંબંધો ખૂબ સારા છે.”
ટ્રમ્પની યુકે યાત્રા
- બ્રિટને શાહી શોભાયાત્રાથી ટ્રમ્પને પ્રભાવિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતાં.
- ટ્રમ્પ અને સ્ટાર્મરે સોદા પર હસ્તાક્ષરની સાથે બિઝનેસ નેતાઓ સાથે રાઉન્ડટેબલ બેઠક યોજી હતી.
- દ્વિપક્ષીય બેઠકોમાં યુક્રેન અને ગાઝાના યુદ્ધોની ચર્ચા થઇ હતી.
- ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન સાથેનું યુદ્ધ બંધ નહીં કરવા અંગે તેઓ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનથી ભારે નારાજ છે.
- હજારો પ્રદર્શનકારીઓએ લંડન અને વિન્ડસર કાસલ ખાતે એકઠા થઇ ટ્રમ્પને સ્વ. ફાઇનાન્સર જેફરી એપ્સ્ટાઇન સાથે જોડતી તસવીરો દર્શાવી દેખાવો કર્યા હતા.
- ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા બાબતે ટ્રમ્પે વડા પ્રધાન સ્ટાર્મર સાથે મતભેદ હોવાનું જણાવ્યું હતું.
- બંને સરકારોએ તેમના વ્યૂહાત્મક જોડાણને પુનઃપુષ્ટિ આપી હતી, પણ ટ્રાન્સએટલાન્ટિક વેપારના પાસાઓ પર મતભેદો ઉભા રહ્યા છે.
- સુરક્ષા વ્યવસ્થા માટે સેંકડો સૈનિકો તૈનાત કરી સેન્ટ્રલ લંડનમાં કડક પ્રતિબંધો લદાયા હતા.
- ટ્રમ્પના મુખ્ય હેલિકોપ્ટરમાં નાની હાઇડ્રોલિક ખામી સર્જાતા તેમને બેકઅપ એરક્રાફ્ટમાં ખસેડવામાં આવ્યા હતા.
