બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને રૂ.12,490 કરોડ (1.4 બિલિયન ડોલર)ની સંપત્તિ સાથે પ્રથમવાર બિલિયોનેર ક્લબમાં એન્ટ્રી કરી હતી. શાહરુખ ખાનની સંપત્તિ 87 કરોડ ડોલરથી વધી 1.4 અબજ ડોલર થઈ છે. તે બોલિવૂડમાં સૌથી ધનિક એક્ટર બન્યો છે. તેને ઘણા આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીને પણ પાછળ છોડી દીધા છે, એમ બુધવારે જારી કરાયેલા M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ રીપોર્ટમાં જણાવાયું હતું.
આ યાદીમાં જણાવ્યા મુજબ બોલિવૂડના ટોચના પાંચ ધનિકોમાં શાહરુખ પછી જુહી ચાવલાની સંપત્તિ રૂ.7,790 કરોડ, હૃતિક રોશન રૂ.2,160, કરણ જોહરની રૂ.1,880 કરોડ અને અમિતાભ બચ્ચનની રૂ.1,630 કરોડ છે.
બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરુખની કુલ સંપત્તિ 7,300 કરોડ ($820 મિલિયન)થી વધીને 12,490 કરોડ ($1.4 બિલિયન) થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 71%નો જંગી વધારો દર્શાવે છે.
શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સફળતાને કારણે આ જંગી ઉછાળો આવ્યો છે. આ ફિલ્મ પ્રોડક્શન હાઉસે નાણાકીય વર્ષ 2023માં 85 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 300 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી શાહરુખ ખાનની ફિલ્મ “જવાન”એ ભારતમાં બોક્સ ઓફિસ પર 640.25 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 1,160 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
