ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી માટે ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં દશેરા તરીકે ઓળખાતા આ તહેવારમાં જલેબી ફાફડા ખાવાની પરંપરા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમી પર્વની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી પાઠવી હતી. વડાપ્રધાન જણાવ્યું હતું કે ‘અધર્મ પર ધર્મ’ના વિજયના પ્રતીક વિજયદશમીનો તહેવાર આપણને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, દેશના વિવિધ ભાગોમાં રાવણદહન અને દુર્ગાપૂજા રૂપે ઉજવવામાં આવતો આ તહેવાર આપણા રાષ્ટ્રીય મૂલ્યોને દર્શાવે છે. આ તહેવાર આપણને ક્રોધ અને અહંકાર જેવી નકારાત્મક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા અને સાહસ તથા દૃઢ સંકલ્પ જેવી હકારાત્મક પ્રવૃત્તિઓ અપનાવવાનું શિક્ષણ આપે છે. દિલ્હીમાં રામલીલા મેદાનમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાઓનું દહન કરાયું હતું.
હિન્દુ પરંપરામાં રાવણને અહંકારનું પ્રતિક માનવામાં આવે છે અને રાવણ દહન દ્વારા મનના અહંકારનો નાશ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પુતળાઓનું પણ દહન કરાયું હતું અને ભગવાન શ્રી રામનો જય જય કાર કરીને વિજયોત્સવનું પરમ પર્વ ઉજવાયું હતું.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના અવસરે મુખ્યપ્રધાન સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું હતું. મુખ્યપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ફરજમાં રહેલા સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યપ્રધાન કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે. મુખ્યપ્રધાને સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.
