
યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર દિવસ યોમ કિપ્પુરના રોજ માન્ચેસ્ટરમાં સિનાગોગ પર કાર હુમલો અને છુરાબાજી કરીને કરાયેલા ઘાતક હુમલામાં બે લોકોના મોત નિપજ્યાં હતા અને ચાર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે બનાવને આતંકવાદી ઘટના ગણી તપાસ આદરી છે. પોલીસે એક હુમલાખોરને ઠાર માર્યો હતો અને હુમલાના સંદર્ભમાં બે વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાને ગુરુવારે બપોરે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક કટોકટી કોબ્રા બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
તા. 2ના રોજ ગુરુવારે સવારે લગભગ 11:30 વાગ્યે નોર્થ માન્ચેસ્ટરના ક્રમ્પસલમાં આવેલા હીટન પાર્ક હિબ્રુ કોંગ્રેશન સિનાગોગ ખાતે એક વ્યક્તિએ ભક્તો પર કાર ચઢાવી અને છરીથી હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો યોમ કિપ્પુર પર્વે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ભક્તો અને સુરક્ષા કર્મચારીઓ હુમલાખોરને ઇમારતમાં પ્રવેશતા અટકાવવામાં સફળ રહ્યા.
ડેનમાર્કની મુલાકાત ટૂંકી કરી યુકે પરત આવી પહોંચેલા વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’હું આ વિનાશક હુમલાથી આઘાત અનુભવુ છું અને દેશભરમાં સિનાગોગમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે. યુકેભરના સમુદાયોએ આ પવિત્ર દિવસને શાંતિ અને ચિંતન સાથે ઉજવવો જોઈએ. તેના બદલે, તેઓ શોકમાં છે. મેં સમુદાયોને આશ્વાસન આપવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે દેશભરના સિનાગોગ અને યહૂદી સ્થળોએ વધારાની પોલીસ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.”
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ સર સ્ટીફન વોટસને હુમલાખોરનો સામનો કરનાર સૌની બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે સશસ્ત્ર પોલીસ આવે ત્યાં સુધી મહત્વપૂર્ણ સમય બચાવ્યો હતો અને સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ 999 પર પ્રથમ કોલ મળવાની સાત મિનિટમાં જ સ્થળ પર પહોંચી જઇ હુમલાખોરને ગોળી મારી દીધી હતી.
પોલીસે પુષ્ટિ આપી છે કે હુમલામાં માન્ચેસ્ટરના યહૂદી સમુદાયના બે સભ્યોના મોત થયા છે. જ્યારે વિવિધ ગંભીર ઇજાઓ સાથે ચાર અન્ય લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. શંકાસ્પદ હુમલાખોરે કમર પર એક સાધન બાંધ્યું હોવાનું જણાવતા અહેવાલોને પગલે બોમ્બ ડીસ્પોઝલ ટીમને તૈનાત કરવામાં આવી હતી.
કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગે જણાવ્યું હતું કે તેઓ માને છે કે તેઓ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાણે છે પરંતુ ઓપરેશનલ કારણોસર હજુ સુધી જાહેરમાં તેની પુષ્ટિ કરી નથી.
આ હુમલાએ માન્ચેસ્ટર અને સમગ્ર દેશમાં યહૂદી સમુદાયોને આઘાત પહોંચાડ્યો છે. યોમ કિપ્પુર, ઉપવાસ અને પ્રાર્થનાનો એક પવિત્ર દિવસ છે જેને યહૂદી કેલેન્ડરમાં સૌથી પવિત્ર તારીખ માનવામાં આવે છે. ક્રમ્પ્સલના કાઉન્સિલરો નસરીન અલી, જવાદ અમીન અને ફિયાઝ રિયાસતે સંયુક્ત નિવેદન જાહેર કરીને “પૂજા સ્થળ પર ભયાનક અને અર્થહીન હુમલા”ની નિંદા કરી હતી અને પીડિતો સાથે એકતા દર્શાવી હતી.
ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે આ ઘટનાઓને “ગંભીર ઘટના” ગણાવી અને લોકોને આ વિસ્તાર ટાળવા વિનંતી કરી છે.
યુકેના આતંકવાદ વિરોધી પોલીસિંગના વડા, સહાયક કમિશનર લોરેન્સ ટેલરે જણાવ્યું હતું કે ‘’યહૂદી સમુદાયોનું રક્ષણ કરવા માટે દળો ઝડપથી એકત્ર થઈ રહ્યા છે. યોમ કિપ્પુર પર આપણા યહૂદી સમુદાય પર હુમલો વિનાશક છે. અમે તાત્કાલિક ધોરણે સિનાગોગ અને અન્ય મુખ્ય સ્થળોએ પેટ્રોલિંગ વધારી રહ્યા છીએ.”
હુમલો થતાં પૂજા – પ્રાર્થના કરવા ગયેલા લોકોએ ભય અને અરાજકતાના દ્રશ્યોનું વર્ણન કર્યું હતું. બનાવને નજરે જોનાર વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે ‘’પોલીસે શંકાસ્પદ વ્યક્તિને બે ચેતવણીઓ આપી હતી. પણ તેણે સાંભળ્યું ન હતું તેથી પોલીસે ગોળીબાર કર્યો હતો.”
અન્ય લોકોએ જણાવ્યું કે જ્યારે તે વ્યક્તિ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સિનાગોગના દરવાજા સુરક્ષિત કરવા માટે દોડી રહેલા લોકો ભેગા થયા હતા.
મૃત્યુના સમાચાર આવતા જ ઇમારતની બહાર સમુદાયના સભ્યો રડી પડ્યા. એક વ્યક્તિએ કહ્યું, “તે ઘણું ખરાબ હોત, પરંતુ તેના માર્ગમાં ઉભા રહેલા લોકોની હિંમતને કારણે મોટી કરૂણ ઘટના બની ન હતી.”
ગુરુવારનો હુમલો તાજેતરના વર્ષોમાં યુકેમાં યહૂદી પ્રાર્થના સ્થળને નિશાન બનાવતો સૌથી ગંભીર બનાવ છે અને સમગ્ર યુરોપમાં વધતા તણાવ વચ્ચે આવ્યો છે, જ્યાં યહૂદી સમુદાયોએ સુરક્ષા ચિંતાઓમાં વધારો નોંધાવ્યો છે.
પોલીસે હજુ સુધી હુમલાખોરનું નામ જાહેર કર્યું નથી, પરંતુ આતંકવાદ વિરોધી અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે તેઓ તેની પૃષ્ઠભૂમિ અને ઉગ્રવાદી વિચારધારા સાથે સંભવિત જોડાણોની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જનતાને શાંત રહેવા અને નિષ્ણાત ટીમોને તેમની તપાસ પૂર્ણ કરવા દેવાની અપીલ કરી છે.
બનાવ બાદ ભોગ બનેલા પીડિતો સાથે એકતા દર્શાવવા આંતરધાર્મિક અને સામુદાયીક જૂથો દ્વારા વિજીલનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. વરિષ્ઠ ધાર્મિક નેતાઓએ શાંતિ અને એકતાનો આગ્રહ કર્યો છે. મુખ્ય રબ્બાઇ એફ્રાઈમ મિરવિસે કહ્યું હતું કે “આ દિવસે, અમારા હૃદય તૂટી ગયા છે. અમે માર્યા ગયેલા લોકોના પરિવારો માટે, ઘાયલોની સ્વસ્થતા માટે અને નફરત પર શાંતિ જીતવા માટે પ્રાર્થના કરીએ છીએ.”
ફોરેન્સિક ટીમોએ તપાસ આદરી છે અને સિનાગોગને સીલ કરાયું છે. પોલીસે યોમ કિપ્પુર સર્વિસમાં હાજરી આપનારાઓને સુરક્ષિત જાહેર કર્યા પછી સ્થળને સુરક્ષિત રીતે ખાલી કરાવવામાં આવ્યું હતું.
હાલ પૂરતું, માન્ચેસ્ટરના યહૂદી સમુદાય – અને વ્યાપક રાષ્ટ્રએ આ ભયાનક આતંકવાદી કૃત્યની નિંદા કરી છે અને તેમાં જીવ ગુમાવનારાઓ માટે શોક વ્યક્ત કરી રહ્યા છે.

