કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ગયા સપ્તાહે ભારતીય ફિલ્મનું સ્ક્રીનિંગ કરતાં મૂવી થિયેટરો પર ફાયરિંગ થયું હતું અને આગ ચાંપી દેવાના પ્રયાસ થયા હતાં. આવા હુમલા પછી ભારતીય ફિલ્મોના અનેક પ્રદર્શનો રદ કરાયા હતાં. ઓકવિલેમાં Film.ca સિનેમાના અધિકારીઓએ ઋષભ શેટ્ટીની કંતારા: અ લિજેન્ડ ચેપ્ટર 1 અને પવન કલ્યાણની ધે કોલ હિમ ઓજીનું સ્ક્રીનિંગ અટકાવી દીધું હતું.
હેલ્ટન પોલીસના જણાવ્યા અનુસાર થિયેટરને ૨૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૫:૨૦ વાગ્યે સૌપ્રથમ નિશાન બનાવવામાં આવ્યું હતું. રેડ ગેસના કેન લઈને બે શંકાસ્પદ લોકોએ “થિયેટરના બાહ્ય પ્રવેશદ્વાર પર આગ લગાડવા માટે જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ કર્યો હતો. આગ મિલકતના બહારના પૂરતી સીમિત રહી હતી, થિયેટરને સામાન્ય નુકસાન થયું હતું.
Film.cએ હુમલા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. તેમાં એક ગ્રે SUV રાત્રે લગભગ 2 વાગ્યે આવતી દેખાઈ રહી છે. હૂડી પહેરેલો એક વ્યક્તિ થિયેટરના પ્રવેશદ્વારની રેકી કરતો દેખાય છે અને પછી ગાડી ચલાવીને ભાગી જાય છે. એ જ SUV ફરી બે વાર પાર્કિંગમાં પાછી આવી હતી. સવારે લગભગ 5.15 વાગ્યે, એક સફેદ SUV પ્રવેશી હતી. થોડીવાર પછી, વિડીયોમાં બે વ્યક્તિઓ થિયેટરના દરવાજા પર આવીને લાલ જેરીકેનમાંથી પ્રવાહી રેડવાનું શરૂ કરે છે. પછી તેઓ તેને આંગ ચાંપે છે.
બીજો હુમલો એક અઠવાડિયા પછી, 2 ઓક્ટોબરના રોજ થયો હતો.એક જ શંકાસ્પદે ઇમારતના પ્રવેશદ્વારમાંથી 1:50 વાગ્યે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિનું વર્ણન કાળા રંગનો અને ભારે બાંધાનો પુરુષ તરીકે કર્યું હતું. તેને કાળા કપડાં પહેર્યા હતા અને ચહેરા પર કાળો માસ્ક પહેર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલાઓને આ વિસ્તારના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સાથે કનેક્શન હોઈ શકે છે. ભૂતકાળમાં, ઓકવિલના એક મંદિરને ખાલિસ્તાની ધમકીઓ મળી હતી, પરંતુ આ કેસમાં તેમની સંડોવણી અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
