નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સોમવારે એક પ્રેફ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ, વિવેક જોશીએ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. (ANI Photo/Jitender Gupta)

બિહારમાં  6 નવેમ્બર અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 14 નવેમ્બરે રિઝલ્ટ જાહેર થશે. રાજ્યની 243 બેઠકોમાંથી 121 બેઠકો પર પ્રથમ તબક્કામાં અને બાકીની બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે, એવી ચૂંટણીપંચે સોમવાર, 6 ઓક્ટોબરે જાહેરાત કરી હતી.

આ ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના નેતૃત્વ હેઠળના ગઠબંધન તથા કોંગ્રેસ- રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન વચ્ચે રાજકીય જંગ થશે. ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રખ્યાત પ્રશાંત કિશોરની પાર્ટી પણ પ્રથમવાર મેદાનમાં ઉતરશે. પ્રશાંત કિશોરે અગાઉ બિહારના મુખ્યપ્રધાન  નીતિશ કુમાર અને તેમના બંગાળ સમકક્ષ મમતા બેનર્જી માટે શાનદાર જીતની રણનીતિ તૈયાર કરી હતી. આ વખતે તેમની પોતાની પાર્ટી, જન સુરાજ સાથે ચૂંટણીમાં પદાર્પણ કરશે જે રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે.

ચૂંટણીની જાહેરાત કરતાં પહેલા ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા હાથ ધર્યા હતા અને તેનાથી રાજકીય કાનૂની વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવની પાર્ટીએ આ સુધારાનો વિરોધ કરીને આક્ષેપ કર્યો હતો કે સત્તારૂઢ ભાજપ વોટચોરી કરી રહ્યો છે.

ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઓક્ટોબરના બુધવારે થશે. 24 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઓક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે. જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.

બિહાર વિધાનસભા ચૂંટણી કાર્યને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રૂપે પાર પાડવા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે 500થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની હિંસા કે અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય. ચૂંટણી પંચે રાજ્યના તમામ જિલ્લામાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. જે વિસ્તારોમાં પહેલાંથી તણાવ અને હિંસાની ઘટના બની છે, ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

LEAVE A REPLY