સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 6 ઓક્ટોબરે એક વૃદ્ધ વ્યક્તિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ પર જૂતું ફેંકતા ચકચાર મચી હતી. સુરક્ષા જવાનોએ આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો. જોકે કોર્ટરૂમમાં થયેલા આઘાતજનક ઘટનાક્રમથી વિચલિત થયા વગર મુખ્ય ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું હતું કે આવી બાબતોથી મને કોઇ અસર થતી નથી. ચીફ જસ્ટિસે સુનાવણી પણ ચાલુ રાખી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મુખ્ય ન્યાયાધીશે દિવસના પહેલા કેસની સુનાવણી શરૂ કરી હતી ત્યારે વૃદ્ધ વ્યક્તિએ “ભારત સનાતનનું અપમાન સહન નહીં કરે” તેવા નારા લગાવ્યા હતાં અને ખંડપીઠ તરફ જૂતું ફેંક્યું હતું. કોર્ટરૂમમાં સુરક્ષા કર્મચારીઓ ઝડપથી આગળ વધ્યાં હતાં અને જૂતું ફેંકનારને કસ્ટડીમાં લીધો હતો. મુખ્ય ન્યાયાધીશ પર ફેંકવામાં આવેલુ જુતુ મુખ્ય ન્યાયધીશ સુધી પહોંચ્યું ન હતું.
જૂતું ફેંકનાર વ્યક્તિ પાસે એક પ્રોક્સિમિટી કાર્ડ હતું જે સુપ્રીમ કોર્ટના વકીલો અને ક્લાર્કોને આપવામાં આવે છે. પ્રોક્સિમિટી કાર્ડ પર કિશોર રાકેશનું નામ છે. મુખ્ય ન્યાયાધીશને નિશાન બનાવવા પાછળનો તેનો હેતુ જાણી શકાયો નથી અને સુરક્ષા એજન્સીઓ વધુ જાણવા માટે તેની પૂછપરછ ચાલુ કરી હતી. મુખ્ય ન્યાયાધીશે રજિસ્ટ્રીને આ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું.
અગાઉ ભગવાન વિષ્ણુ પરની ટિપ્પણીના મુદ્દે ભારતના મુખ્ય ન્યાયાધીશની સોશિયલ મીડિયા પર તીવ્ર ટીકા થયા બાદ આ ઘટના બની હતી. ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટની શિરચ્છેદ કરેલી મૂર્તિના પુનર્નિર્માણ માટે ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા, મુખ્ય ન્યાયાધીશે કથિત રીતે કહ્યું હતું કે, “જાઓ અને દેવતાને પોતે કંઈક કરવા કહો.” ચીફ જસ્ટિસની આ ટિપ્પણીની ટીકા થઈ હતી. આ ટીપ્પણી અંગે વિવાદ પછી મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે “કોઈએ મને બીજા દિવસે કહ્યું કે મેં કરેલી ટિપ્પણીઓને સોશિયલ મીડિયા પર ચોક્કસ રીતે દર્શાવવામાં આવી છે. હું બધા ધર્મોનો આદર કરું છું.”
