અમેરિકા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ઓગસ્ટ 2025માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આગમનમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 19 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. આમાંથી ભારતીય વિદ્યાર્થીઓમાં આશરે 44 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનના સરકારી આગમનના રેકોર્ડ અનુસાર આ કોરોના મહામારી વર્ષો પછીનો સૌથી મોટો ઘટાડો છે અને તેનાથી આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર આધાર રાખતી ઘણી યુનિવર્સિટીઓ માટે નવી ચિંતાઓ પણ ઊભી થઈ છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ એશિયન વિદ્યાર્થીઓમાં આગમનમાં સૌથી મોટો ઘટાડો થયો છે, જેઓ અમેરિકામાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 70 ટકા યોગદાન આપે છે. આ ઓગસ્ટમાં એશિયાથી આવતા વિદ્યાર્થીઓમાં 24 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓની આગમનમાં ગયા વર્ષની ઓગસ્ટની સરખામણીમાં 44 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે. દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ અને વધુ આક્રમક વિઝા ચકાસણીને પગલે ચીનની વિદ્યાર્થીઓના આગમનમાં પણ ઘટાડો થયો છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ઘટાડા પાછળ વહીવટી અવરોધો અને નીતિગત નિર્ણયો મુખ્ય કારણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રના કડક ઇમિગ્રેશન પગલાં જેમ કે વિઝા ઇન્ટરવ્યૂમાં વિલંબ અને 19 દેશો પર નવા મુસાફરી પ્રતિબંધોથી લઈને વિદ્યાર્થી વિઝા અરજદારોની કડક ચકાસણી સુધી, વિદ્યાર્થીઓ માટે સમયસર યુ.એસ. પહોંચવાનું મુશ્કેલ બનાવ્યું છે.કેટલાક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓએ વિઝા ઇન્ટરવ્યૂ સ્લોટ માટે મહિનાઓ રાહ જોવી પડી છે. અન્ય કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ અચાનક નીતિગત ફેરફારોમાં ફસાઈ ગયા છે. આ તમામ પગલાંથી અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે
સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં અમેરિકન યુનિવર્સિટીઓમાં નવું સત્ર શરૂ થાય છે, ત્યારે અમેરિકાએ લગભગ 3,13,138 સ્ટુડન્ટ વિઝા જાહેર કર્યા હતાં. ઓગસ્ટમાં અમેરિકાએ ચીનના વિદ્યાર્થીઓ માટે 86,647 વિઝા જાહેર કર્યા હતાં, જે ભારતીય વિદ્યાર્થીઓને અપાયેલા વિઝાની સરખામણીમાં બે ગણાથી પણ વધુ છે.

વિઝા પ્રોસેસિંગના મહત્ત્વના મહિના ગણાતા જૂનમાં વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા અસ્થાયી રૂપે રોકી દીધી હતી. આ પાછળનો હેતુ અમેરિકન દૂતાવાસોને અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરવાનો આદેશ આપવાનો હતો. રુબિયોએ હજારો સ્ટુડન્ટ વિઝા રદ કર્યા હતાં. ઘણા કિસ્સાઓમાં રદ થવાનું કારણ એ હતું કે વિદ્યાર્થીઓએ ઇઝરાયલની ટીકા કરી હતી, જેના કારણે તેમને અમેરિકાની વિદેશ નીતિ વિરુદ્ધ માનવામાં આવ્યા.

LEAVE A REPLY