રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ૨૨ વર્ષીય ભારતીય યુવક માજોતી સાહિલ મોહંમદ હુસેને યુક્રેન આર્મી સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતી.ગુજરાત પોલીસે બુધવારે (8 ઓક્ટોબર, 2025) પુષ્ટિ કરી હતી કે માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન મોરબી શહેરનો રહેવાસી હતો અને અભ્યાસ માટે રશિયા ગયો હતો. જો કે ત્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે તેને યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ફરજ પડી હતી.
પત્રકારોએ મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં હુસૈનના ઘરે તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની માતાએ કંઈપણ જણાવવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ ઘરને તાળું મારીને તે અજાણી જગ્યાએ ચાલ્યા ગયા.રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસ મુજબ, સાહિલ (હુસૈન) મોરબીનો રહેવાસી હતો અને ઘણા વર્ષો પહેલા વધુ અભ્યાસ માટે રશિયા ગયો હતો. અમને એ પણ જાણવા મળ્યું છે કે ત્યાં ડ્રગ સંબંધિત કેસમાં પકડાયા બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ આ મામલાની વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે, જેમાં પાસપોર્ટ, વિઝા કેવી રીતે અને ક્યારે મેળવ્યો અને તેની લિંક્સનો સમાવેશ થાય છે.
