ઇઝરાયેલ
ગાઝા યુદ્ધવિરામના પ્રથમ તબક્કા પર ઇઝરાયલ અને હમાસ સંમત થયાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી 9 ઓક્ટોબર, 2025ના રોજ ઇઝરાયલના તેલ અવીવમાં લોકોએ "હોસ્ટેજ સ્ક્વેર" પર ઉજવણી કરી હતી. REUTERS/Shir Torem

ગાઝામાં બે વર્ષના યુદ્ધ પછી ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગુરુવારે શાંતિસમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં અને શાંતિ સમજૂતી અને બંધકોને મુક્ત કરવાની સમજૂતીને ઇઝરાયેલીની કેબિનેટે પણ મંજૂરી આપી હતી.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ થયેલી આ સમજૂતી હેઠળ હમાસ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ઇઝરાયેલના બાકીના તમામ બંધકોને સોમવાર સુધીમાં મુક્ત કરશે. સમજૂતીની જાહેરાત સાથે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને દેશોના લોકોએ ઉજવણી કરી હતી. આ સમજૂતી બંને વચ્ચે કાયમી શાંતિ માટેનો એક મહત્ત્વનું પગલું માનવમાં આવે છે. આ ઉપરાંત તે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી રાજદ્વારી સફળતા પણ છે.

બંને પક્ષોના અધિકારીઓએ ઇજિપ્તના શર્મ અલ-શેખના બીચ રિસોર્ટમાં પરોક્ષ વાટાઘાટો બાદ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર હેઠળ લડાઈ બંધ થશે. ઇઝરાયલ ગાઝામાંથી આંશિક રીતે તેના સૈનિકોને પાછા ખેંચી લેશે અને સેંકડો પેલેસ્ટિનિયનને તેની જેલમાંથી મુક્ત કરશે. હમાસ પણ ઇઝરાયેલના બાકીના તમામ બંધકોને મુક્ત કરશે.

ગાઝામાં 7 ઓક્ટોબર 2023ના રોજ યુદ્ધ ચાલુ થયું હતું. તે સમયે હમાસે ઇઝરાયેલ પર આકસ્મિક હુમલા કરતાં 1,200 ઇઝરાયેલીના મોત થયા હતાં. હમાસે ઇઝરાયેલના 251 લોકોને બંધક પણ બનાવ્યાં હતાં. આ પછી ઇઝરાયેલ કરેલા વળતા હુમલામાં પેલેસ્ટાઇનમાં 67,000 લોકોના મોત થયા હતાં અને 1.70 લાખથી વધુ લોકોના મોત થયા હતાં. યુદ્ધમાં આખું ગાઝા ખંડેર બની ગયું હતું અને લાખ્ખો લોકોને કેમ્પોમાં રહેવાની ફરજ પડી હતી.

જોકે ટ્રમ્પે રજૂ કરેલી 20 મુદ્દાની શાંતિ યોજનાના ઘણા પાસાંઓ અંગે હજુ અનિશ્ચિતતા ઊભી છે. હમાસનુ નિઃશસ્ત્રીકરણની કેવી રીતે કરાશે, હમાસનું ભાવિ શું હશે તથા ગાઝા પર કોણ શાસન કરશે તે અંગે અનિશ્ચિતતા છે. આ મુદ્દાઓ અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટો બાકી છે. હમાસ અગાઉ તેના નિઃશસ્ત્રીકરણની ઇઝરાયેલની માગણીને નકારી ચુક્યું છે.

ઇઝરાયલ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકારી બેઠકના 24 કલાકની અંદર યુદ્ધવિરામ અમલમાં આવશે. તે 24 કલાકના સમયગાળા પછી, ગાઝામાં રાખવામાં આવેલા બંધકોને 72 કલાકમાં મુક્ત કરવામાં આવશે.ગાઝામાં હજુ પણ 20 ઇઝરાયલી બંધકો જીવતા હોવાનું અને 26ના મોત થયા હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત બે બંધકોના ભાવિ અંગે અનિશ્ચિતતા છે. હમાસે સંકેત આપ્યો હતો કે મૃતદેહ સોંપવામાં વધુ વિલંબ થઈ શકે છે.

ઇઝરાયલી સૈનિકો પાછા હટવાની તૈયારી કરી રહ્યા હોવાના સંકેતો અગાઉથી મળ્યાં હતાં. મધ્ય ગાઝા પટ્ટીમાં નુસેરાત કેમ્પ નજીક એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તેને ઇઝરાયલી સેનાને એક ત્યજી દેવાયેલા સૈન્ય સ્થાનને ઉડાવી દેતા અને વિસ્તારની દેખરેખ માટે ઉપયોગમાં લેવાતી ક્રેનને નીચે ઉતારતા જોયા હતા.

ગાઝામાં યુદ્ધવિરામની સત્તાવાર શરૂઆત પહેલાં ગુરુવારે ઇઝરાયલી હુમલાઓ અને ફાયરિંગ ચાલુ રહ્યા હતાં. જોકે યુદ્ધવિરામની ધારણાએ આ હુમલા અગાઉની સરખામણીમાં ઘણા ઓછા હતાં. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે દિવસ દરમિયાન ઇઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટિનિયનોના મોત થયા હતાં આ ઉપરાંત અગાઉના 24 કલાકમાં નવ લોકોના મોત થયા હતાં.

LEAVE A REPLY