ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 9 ઓક્ટોબરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓએ “વેપાર વાટાઘાટોમાં થયેલી સારી પ્રગતિની સમીક્ષા કરી” અને આગામી અઠવાડિયામાં ગાઢ સંપર્કમાં રહેવા સંમત થયાં હતાં.
વોશિંગ્ટનમાં વેપાર અધિકારીઓની તાજેતરની બેઠકો બાદ ભારતીય વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે, બંને દેશોમાં ટૂંક સમયમાં વેપાર વાટાઘાટોનો બીજો રાઉન્ડ થવાની અપેક્ષા છે.
વડાપ્રધાન મોદીએ ગાઝા શાંતિ યોજનાની “સફળતા” બદલ અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પણ આપ્યાં હતાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોદીએ જણાવ્યું હતું કે મારા મિત્ર, પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી અને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા બદલ તેમને અભિનંદન આપ્યાં હતાં. ભારત-અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોમાં થયેલી સારી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આગામી અઠવાડિયામાં નજીકના સંપર્કમાં રહેવા સંમત થયાં હતાં.
ટ્રમ્પે ભારતમાંથી થતી મોટાભાગની નિકાસ પર ૫૦% ટેરિફ લાદ્યો, જે કોઈપણ યુએસ ટ્રેડિંગ પાર્ટનર દેશ માટેનો સૌથી ઊંચો ટેક્સ છે. આ પગલાથી યુ.એસ.માં થતી લગભગ ૫૦ અબજ ડોલરની ભારતીય નિકાસ પર અસર પડશે, જે મુખ્યત્વે કાપડ, રત્નો અને ઝવેરાત અને ઝીંગા ઉદ્યોગ જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને નુકસાન પહોંચાડશે.
વોશિંગ્ટને અગાઉ કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી યુક્રેનમાં મોસ્કોના યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ મળી હતી અને નવી દિલ્હી પણ તેનાથી નફો કરે છે. ભારતે આ આરોપને બેવડા ધોરણ તરીકે નકારી કાઢ્યો હતો, જેમાં રશિયા સાથે યુએસ અને યુરોપિયન વેપાર સંબંધો તરફ ઈશારો કરવામાં આવ્યો હતો.
