યુકે સરકાર ઇસ્લામોફોબિયાની ઔપચારિક વ્યાખ્યા અપનાવવા તૈયારી કરી રહી છે ત્યારે તેની સામે નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ (NSO) કાનૂની પડકાર તૈયાર કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે તે અન્ય ધર્મો પ્રત્યે ભેદભાવપૂર્ણ હોઈ શકે છે. NSO એ સંભવિત ન્યાયિક સમીક્ષા પહેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટને પ્રી-એક્શન લેટર સોંપ્યો છે.
NSO ના ડિરેક્ટર લોર્ડ ઇન્દ્રજીત સિંહે જણાવ્યું હતું કે ઇસ્લામોફોબિયાની વ્યાપક, બિન-વૈધાનિક વ્યાખ્યા શીખોની મુક્તપણે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવાની ક્ષમતાને મર્યાદિત કરશે અને માનવ અધિકારો પર યુરોપિયન કન્વેન્શનની કલમ 14 નો ભંગ કરી શકે છે. જૂથે ભૂતપૂર્વ એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવની અધ્યક્ષતામાં સરકારના મુસ્લિમ વિરોધી દ્વેષ પરના કાર્યકારી જૂથ દ્વારા શીખ પ્રતિનિધિઓ સાથે પરામર્શના અભાવની પણ ટીકા કરી હતી.
મુસ્લિમ વિરોધી હેટ ક્રાઇમમાં વધારો થયા પછી કાર્યકારી જૂથની રચના કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે પાંચમાંથી બે ઘટનાઓમાં મુસ્લિમોને લક્ષ્ય બનાવાય છે. જો કે, NSO અને ઘણા હિન્દુ સંગઠનોને ડર છે કે ઇસ્લામોફોબિયાને સંકુચિત રીતે વ્યાખ્યા અપવાથી આંતરધાર્મિક એકતાને નુકસાન થઈ શકે છે અને વાણી સ્વતંત્રતાને મર્યાદિત કરી શકાય છે.
કોમ્યુનીટી મિનિસ્ટર સ્ટીવ રીડે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ પ્રાથમિકતા રહેશે અને કોઈપણ “બેકોડોર ઇશ નિંદા’’ના કાયદાને નકારી કાઢ્યો છે. NSO કહે છે કે તે મુકદ્દમા વિના મુદ્દાને ઉકેલવા માટે ખુલ્લું છે.
