
ગુગલે ભારતના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર સ્થાપવા માટે પાંચ વર્ષમાં $15 બિલિયનનું રોકાણ કરવાની મંગળવાર, 14 ઓક્ટોબરે જાહેરાત કરી હતી. અમેરિકાની આ અગ્રણી ટેકનોલોજી કંપનીનું ભારતમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. ગૂગલે આ ડેટા સેન્ટર માટે અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ટેરિફ અને અટકેલા વેપાર કરારને લઈને તણાવપૂર્ણ રાજદ્વારી મડાગાંઠ વચ્ચે યુએસ ટેક જાયન્ટે યોજના જાહેર કરી હતી.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેનું AI હબ અમેરિકાની બહાર ગુગલનું સૌથી મોટું હશે અને તેમાં 1-ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસ, નવા મોટા પાયે ઉર્જા સ્ત્રોતો અને વિસ્તૃત ફાઇબર-ઓપ્ટિક નેટવર્કનો સમાવેશ થશે. ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવા માટે નવી દિલ્હીમા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “આ અમેરિકાની બહાર દુનિયામાં સૌથી મોટું AI હબ હશે.
ગુગલ દ્વારા આયોજિત ભારત એઆઈ શક્તિ કાર્યક્રમ દરમિયાન કંપનીએ આ જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ હબ ગીગાવોટ-સ્કેલ કમ્પ્યુટ ક્ષમતા, એક નવો આંતરરાષ્ટ્રીય સબસી ગેટવે અને મોટા પાયે ઉર્જા માળખાને જોડે છે. તેના દ્વારા અમે ભારતમાં સાહસો અને વપરાશકર્તાઓ સુધી અમારી ઉદ્યોગ-અગ્રણી ટેકનોલોજી લાવીશું, AI નવીનતાને વેગ આપીશું અને દેશભરમાં વૃદ્ધિને વેગ આપીશું.”
અબજોપતિ ગૌતમ અદાણીના ગ્રુપની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તેની સંયુક્ત સાહસ કંપની અદાણીકોનેક્સ અને ગુગલ વિશાખાપટ્ટનમમાં ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવું ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે.
માઈક્રોસોફ્ટ અને એમેઝોન પહેલાથી જ ભારતમાં ડેટા સેન્ટર બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરી ચૂક્યા છે. ભારત એક મહત્વપૂર્ણ વિકાસશીલ બજાર છે જ્યાં લગભગ એક અબજ વપરાશકર્તાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પણ ડેટા સેન્ટરોની ક્ષમતા નિર્માણમાં રોકાણોનું અનાવરણ કર્યું છે.
