પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આગામી દિવાળીના તહેવારો પહેલા સરકારે ફટાકડા ફોડવા અંગે નવી માર્ગરેખા જારી કરી હતી. આ માર્ગરેખા મુજબરાજ્યમાં ગ્રીન અને ઓછો ઘોંઘાટ ફેલાવતા જ ફટાકડાનું વેચાણ કરી શકાશે અને નાગરિકોએ આવા જ પ્રકારના ફટાકડાંનો ઉપયોગ કરવાનો રહેશે. દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે ૮.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ કોઇપણ આયાતી ફટાકડા કે પ્રચંડ અવાજ કરતાં ફટાકડા જાહેરમાં ફોડી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બહાર પડાયેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવા રાજ્યના ગૃહ મંત્રાલયે તમામ જિલ્લા પોલીસ વડા અને મહાનગરોના પોલીસ કમિશનરોને આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં એક પિટિશન સંદર્ભે બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે, ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતાં હોવાથી બાંધેલા ફટાકડા એટલે કે ફટાકડાની લૂમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. તમામ ઇ કોમર્સ તથા ઓનલાઇન વેચાણ પર કોઇપણ પ્રકારના ફટાકડાનું વેચાણ કરવા પર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

LEAVE A REPLY