(Photo by Christopher Furlong - WPA Pool/Getty Images)

બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ અને શાહી પરિવારના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે “સંપૂર્ણ ચર્ચા” કર્યા બાદ પ્રિન્સ એન્ડ્રુએ ડ્યુક ઓફ યોર્ક સહિત તેમની તમામ શાહી પદવીઓનો ત્યાગ કર્યો છે.

એક નિવેદનમાં, 65 વર્ષીય રાજવી પ્રિન્સ એન્ડ્રુએ કહ્યું હતું કે “મહારાજા કિંગ ચાર્લ્સની સંમતિથી, હું હવે નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ વિક્ટોરિયન ઓર્ડર (GCVO) અને રોયલ નાઈટ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ગાર્ટર તરીકેના સન્માનો અને મારી પદવીનો ઉપયોગ કરીશ નહીં. જો કે હું મારી સામેના આરોપોને જોરશોરથી નકારી રહ્યો છું.’’

જોકે ડ્યુક એન્ડ્રુ કાયદેસર રીતે પોતાનું ડ્યુકડોમ જાળવી રાખશે, કારણ કે તે ફક્ત સંસદના કાયદા દ્વારા જ દૂર કરી શકાય છે. જો કે તેઓ તમામ સત્તાવાર અથવા ખાનગી ક્ષમતાઓમાં તેનો ઉપયોગ કરવાનું બંધ કરશે. તેમની ભૂતપૂર્વ પત્ની, સારાહ ફર્ગ્યુસન, પણ ડચેસ ઓફ યોર્ક પદવીનો ઉપયોગ કરવાનું બંધ કરશે. પણ તેમની પુત્રીઓ, પ્રિન્સેસ બીટ્રાઇસ અને પ્રિન્સેસ યુજેની પર તેની કોઈ અસર થશે નહીં.

આ પગલું એન્ડ્રુના સ્વર્ગસ્થ યુએસ ફાઇનાન્સર અને દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથેના ભૂતકાળના સંબંધો પર નવી તપાસ વચ્ચે લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા વર્જિનિયા ગિફ્રેના મરણોત્તર સંસ્મરણોના અંશોમાં તેણી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજકુમાર એન્ડ્રુ  “મારી સાથે સેક્સ માણવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર માનતા હતા.” એપ્રિલમાં આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ગિફ્રેએ 2022 માં એન્ડ્રુ સામે £12 મિલિયનના સિવિલ કેસનું સમાધાન કર્યું હતું જો કે તેમાં જ્યુક એન્ડ્ર્યુએ જવાબદારી સ્વીકારી ન હતી.

આ સપ્તાહના અંતે મેટ્રોપોલિટન પોલીસે પુષ્ટિ કરી હતી કે તેઓ દાવાઓની સમીક્ષા કરી રહ્યા છે કે એન્ડ્રુએ એક વખત શાહી સુરક્ષા અધિકારીને ગિફ્રે વિશેની વ્યક્તિગત માહિતી મેળવવા કહ્યું હતું, જેમાં તેણીની જન્મ તારીખ અને સોસ્યલ સિક્યુરીટી નંબરનો સમાવેશ થાય છે.

શાહી સૂત્રોએ ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે રાજાશાહી માટે પ્રતિષ્ઠાના જોખમ અંગે વધતા જતા અસંતોષ વચ્ચે મહેલમાં “અઠવાડિયાઓ સુધી ચાલેલી ઉચ્ચ-સ્તરીય બેઠકો” પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજા ચાર્લ્સ આ પગલાથી “રાહત” અનુભવે છે. આ બાબતે પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમની “સંપૂર્ણ સલાહ” લેવામાં આવી હતી.

રાજકીય પ્રતિક્રિયા ઝડપી બની છે. યોર્ક સેન્ટ્રલના લેબર સાંસદ રશેલ માસ્કેલે તેમના પ્રસ્તાવિત ટાઇટલ રિમૂવલ બિલ માટે ફરી હાકલ કરી છે, જે રાજા અથવા સંસદને ઔપચારિક રીતે શાહી ટાઇટલ છીનવી લેવાની સત્તા આપશે.

2022 માં એન્ડ્રુના લશ્કરી જોડાણો અને HRH શૈલીથી પહેલાથી જ છીનવાઈ ગઇ હતી અને હાલ તેઓ, શાહી ભૂમિકા કે પદવી વિનાના છે. રાજાશાહીમાં તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે.

LEAVE A REPLY