ગુજરાત સહિત દેશભરમાં સોમવાર, 20 ઓક્ટોબરે દિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. વેપારીઓએ દિપોત્સવીના પ્રસંગે ચોપડા પૂજન કર્યું હતું. દિવાળીની પૂર્વ સંધ્યાએ રવિવારે કાળી ચૌદશ હોવાથી બપોર બાદ ફટાકડા બજારમાં ધૂમ ઘરાકી જોવા મળી હતો.
તિથિના અપવાદોના કારણે બે દિવસ ધનતેરસ ઉજવાઈ હતી. રવિવારે કાળી ચૌદશના પર્વે મંત્ર અને તંત્રની સાધના કરાઈ હતી હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ અને મહાકાળી માતાજીના મંદિરોમાં વિશેષ પુજા, યજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.દિપોત્સવીના પ્રસંગે ધર્મસ્થાનકોમાં મંગળા આરતી કરવાનો અનન્ય મહિમા હોવાથી તમામ મુખ્ય મંદિરમાં મંગળા આરતીનો ઘંટારવ ગુંજી ઉઠ્યાં હતાં.
તહેવારોના મહાપર્વ દિવાળી પહેલાં બજારોમાં ઘરાકી જામી હતી. ગુજરાતી કેલેન્ડર મુજબ સામાન્ય રીતે વર્ષના અંતિમ દિવસ દિવાળી બાદ તરત જ નવું વર્ષ શરૂ થઇ જતું હોય છે, પરંતુ આ વખતે પણ છેલ્લા બે વર્ષની જેમ ધોકો એટલે કે, પડતર દિવસ વચ્ચે આવે છે. લોકો નવા વર્ષને વધાવવા આતુર બન્યાં હતાં અને અનોખો થનગનાટ પણ તેમનામાં જોવા મળ્યો હતો.
સેંકડો વસ્તુઓ પર ઘટેલા જીએસટી અને દિવાળી બોનસની વહેંચણી બાદ મોટાભાગના શહેરોમાં બજારોમાં અભૂતપૂર્વ ઘરાકી જોવા મળી હતી. રવિવારની રજાના દિવસે શોપિંગ મોલ સુધી તમામ સ્થળોએ લોકોનો ખરીદી માટે ધસારો રહ્યો હતો. બે દિવસ માટે દુકાનો પણ રાતના બે વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. ખાસ કરીને કપડા, જૂતા, કટલરી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઓટોમોબાઈલ, ઈમિટેશન જ્વેલરીની ભારે ડિમાન્ડ જોવા મળી હતી.
