તા. 13 ઓક્ટોબરની રાત્રે બ્રેડફર્ડના ક્લેકહીટનમાં હબ26 ખાતે એક સાહસિક ફાયર વોક ચેલેન્જ પૂર્ણ કરી બ્રેડફર્ડની અગ્રણી મહિલા ફિટનેસ અને વેલનેસ સંસ્થા, ક્લબ એકતાની 22 મહિલાઓના જૂથે £11,500થી વધુ એકત્ર કર્યા હતા જે તેમના પ્રારંભિક £5,000ના લક્ષ્ય કરતાં ઘણી વધારે છે.
જોડાયેલ દરેક મહિલાએ 1,200°F થી વધુ તાપમાન ધરાવતા સળગતા અંગારા પર 20 ફૂટના માર્ગ પર ખુલ્લા પગે ચાલીને ભંડોળ એકત્ર કર્યું હતું. તેમના પરિવારજનો, મિત્રો અને ઢોલ વગાડનારાઓએ એક ચુંબકિય વાતાવરણ બનાવ્યું હતું.
આ ભંડોળ દૂરના, પૂરગ્રસ્ત ગામોમાં તબીબી સહાય, ખોરાક અને રહેઠાણ વગેરેની સહાય પૂરી પાડશે. ક્લબ એકતાની ટીમ નવેમ્બરમાં પંજાબની મુલાકાત દરમિયાન વ્યક્તિગત રીતે સહાય પહોંચાડશે.
ક્લબના સ્થાપક હરલીન કૌરે જણાવ્યું હતું કે ‘’આ કાર્યક્રમ હિંમત અને કરુણાનું એક શક્તિશાળી નિવેદન હતું. જે બ્રેડફર્ડ અને વેસ્ટ યોર્કશાયર સમુદાયની અપાર ઉદારતા દર્શાવે છે.”
સૌથી વધુ £2,766નું ભંડોળ એકત્ર કરનાર કરણદીપ કૌરે કહ્યું હતું કે “ફાયર વોક થોડીક સેકંડમાં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ તેની અસર જીવનભર રહેશે.”














