ભારતના અગ્રણી ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપની દેખભાળ રાખતા ટાટા ટ્રસ્ટે સર્વાનુમતે વેણુ શ્રીનિવાસનને આજીવન ટ્રસ્ટી તરીકે ફરીથી નિયુક્ત કર્યા હતાં અને હવે બધાની નજર મેહલી મિસ્ત્રીના અંગેના આગામી નિર્ણય પર છે. ટાટા ટ્રસ્ટમાં તીવ્ર મતભેદો વચ્ચે આ હિલચાલ જોવા મળી હતી.
શ્રીનિવાસનનો કાર્યકાળ 23 ઓક્ટોબરે પૂરો થતો હતો. આ નિયુક્ત પહેલા ટાટા ટ્રસ્ટમાં બે જૂથો વચ્ચે ઉભા ફાડિયાના અહેવાલ આવ્યાં હતાં. એક જૂથ નોએલ ટાટા સાથે જોડાયેલું છે, જ્યારે બીજા જૂથમાં મેહલી મિસ્ત્રીને વફાદાર છે. રતન ટાટાના મૃત્યુ પછી નાયેલ ટાટા ચેરમેન બન્યાં હતાં. એક સૂત્રે જણાવ્યું હતું કે ટીવીએસ ગ્રુપના ચેરમેન એમેરિટસ શ્રીનિવાસનની પુનઃનિયુક્તિ સર્વસંમતિથી થઈ હતી.
હવે મિસ્ત્રીની પુનઃનિયુક્તિ પર સૌનું ધ્યાન રહેશે, કારણ કે તેમનો કાર્યકાળ 28 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. ટાટા ટ્રસ્ટ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ સહિત અનેક ચેરિટેબલ ટ્રસ્ટોનું સંચાલન કરતું મુખ્ય ટ્રસ્ટ છે. તે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ 156 વર્ષ જૂના ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે, જેમાં 30 લિસ્ટેડ કંપનીઓ સહિત લગભગ 400 કંપનીઓનો સમાવેશ થાય છે.
બીજી તરફ ટાટા સન્સના ચેરમેન તરીકે એન ચંદ્રશેખરનનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન 2032 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે. આ પહેલી વાર છે જ્યારે કંપનીએ તેની નિવૃત્તિ નીતિથી અલગ નિર્ણય કર્યો છે. ચંદ્રશેખરન હાલમાં ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે સેવા આપી રહ્યા છે, જે 2027માં સમાપ્ત થશે. 2027માં તેઓ 65 વર્ષના થશે.
હવે ટાટા ટ્રસ્તના ટ્રસ્ટીઓએ ટાટા સન્સના ચેરમેન તરીકે ચંદ્રશેખરન માટે ત્રીજી પાંચ વર્ષની એક્ઝિક્યુટિવ ટર્મને મંજૂરી આપી છે. 2032માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં તેઓ 70 વર્ષના થઈ જશે.












