હોસ્પિટલ
(ANI Photo)

સીડની વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ વખતે ફિલ્ડીંગ કરતી વખતે શ્રેયસ ઐયરને ગંભીર ઈજા થઈ હતી અને તેને તુરત જ હોસ્પિટલે લઈ જવાયો હતો. સોમવારે તેની સ્થિતિ વિષે ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી મુજબ એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ઐયરને બોલ ઉપર પડી જવાથી પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી અને સોમવારની સ્થિતિ મુજબ તો તેને આઈસીયુમાં રખાયો હતો. ઐયરને હજી એકાદ સપ્તાહ હોસ્પિટલમાં રહેવું પડે તેવી ધારણા છે.

પાંસળીમાં ઈજા પછી તેની બરોળમાં (સ્પ્લીન) કાપો પડી જતાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોવાથી હોસ્પિટલમાં રહી સારવાર લેવી પડશે. તેને લાંબો સમય આરામ પણ કરવો પડશે.BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની તબિયત હાલ સ્થિર છે અને ઝડપથી રિકવર થઈ રહ્યો છે.

સિડની અને ભારતના સ્પેશ્યાલિસ્ટ્સ સાથે BCCI ની મેડિકલ ટીમ પણ તેની સારવાર અંગે સતત અપડેટ લઈ રહી છે. ભારતીય ડોક્ટર્સની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં તેની સારવાર દરમિયાન સાથે જ રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે શરુઆતમાં ઐયર લગભગ ત્રણ અઠવાડિયા માટે રમતથી દૂર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે રિકવરીનો સમયગાળો લાંબો થઈ શકે છે. આંતરિક રક્તસ્ત્રાવ થયો હોવાથી, તેને સ્વસ્થ થવા માટે ચોક્કસપણે વધુ સમયની જરૂર પડશે, અને આ સમયે સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેના પાછા ફરવાની ચોક્કસ સમયરેખા નક્કી કરવી મુશ્કેલ છે. તાજેતરમાં જ તેને ODI ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો હતો.

LEAVE A REPLY