આ વર્ષે યુકેમાં દિવાળીની ઉજવણી લોકોમાં આનંદ ઉત્સાહ લાવી હતી તો કેટલાક લોકો માટે તે રોષનું કારણ પણ બની હતી. નોર્થ વેસ્ટ લંડન, ઇસ્ટ લંડન અને સાઉથ લંડન સહિત લેસ્ટર અને ભારતીયોની વસતી ધરાવતા અન્ય શહેરોમા લોકોએ દિવાળી પ્રસંગે મોડી રાત્રી સુધી ફટાકડા ફોડતા સ્થાનિક રહેવાસીઓ અને કાર્યકરો તરફથી ફટાકડા ફોડવા પર કડક નિયંત્રણોની માંગણી કરવામાં આવી હતી.
લેસ્ટર સિટી કાઉન્સિલે સલામતીની ચિંતાઓને કારણે તેની સત્તાવાર દિવાળી લાઇટ સ્વીચ-ઓન અને આતશબાજી પ્રદર્શનને રદ કર્યું હતું. પરંતુ લેસ્ટરના કેટલાક વિસ્તારોમાં લોકોએ મોડી રાત્રે 3 વાગ્યા સુધી લોકોએ ફટાકડા ફોડ્યા હોવાની ઘણા રહેવાસીઓએ જાણ કરી હતી.
ભૂતપૂર્વ કાઉન્સિલર રીટા પટેલે જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા દર વર્ષે એક જ સ્થળે થતો આતશબાજીનો કાર્યક્રમ આ વર્ષે થવાનો ન હોવાથી તેની ગેરહાજરીને કારણે વધુ લોકોએ પોતાની જાતે જ ફટાકડા ખરીદીને ઘરના આંગણામાં અને પાછળ ગાર્ડનમાં ફટાકડા ફોડ્યા હતા.”
લેસ્ટરશાયર પોલીસે દિવાળીની બે રાત્રિ દરમિયાન ફટાકડા સંબંધિત 62 ઘટનાઓનો સામનો કર્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીબીસી રેડિયો લેસ્ટરને અવાજથી પરેશાન રહેવાસીઓ તરફથી અસંખ્ય ફોન કોલ મળ્યા હતા.
યુકેના કાયદા હેઠળ સામાન્ય રીતે રાતના 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાતા નથી. પરંતુ દિવાળી, બોનફાયર નાઇટ, નવા વર્ષની પૂર્વ સંધ્યા અને ચાઇનીઝ નવા વર્ષે ફટાકડા મધ્ય રાત્રીના 1 વાગ્યા સુધી લંબાય છે. મોટાભાગના લોકોએ આ કાયદાનું પાલન કરી ફટાકડા ફોડ્યા હતા. ફફફ–મજકમકમ પરંતુ ઘણાં લોકોને આ નિયમની જાણ ન હોવાથી તેમણે રોધ કર્યો હતો.
લંડનમાં, હેરો કાઉન્સિલે ફટાકડાના બેદરકારીપૂર્વક ઉપયોગ અને અવાજના ઉપદ્રવને રોકવા માટે ત્રણ અઠવાડિયાની કાર્યવાહી શરૂ કરી એન્ફોર્સમેન્ટ ટીમોને તૈનાત કરી હતી અને ફરિયાદોના નિવારણ માટે એક સમર્પિત હોટલાઇન ખોલી હતી.
હેરોના કાઉન્સિલર પ્રિતેશ પટેલે કહ્યું હતું કે “અમે અમારા બરોને સુરક્ષિત રાખવા અને રહેવાસીઓ અને પાલતુ પ્રાણીઓને તકલીફ ન પડે તે માટે અમલીકરણમાં વધારો કરી રહ્યા છીએ.”
બીજી તરફ 48,000થી વધુ હસ્તાક્ષરો સાથેની એક અપીલ સરકારને કરવામાં આવી છે. જેમાં આમ માણસો દ્વારા ફોડવામા આવતા ફટાકડાના મહત્તમ અવાજ સ્તરને 120 થી 90 ડેસિબલ સુધી ઘટાડવા વિનંતી કરવામાં આવી છે. આ પાછળનું કારણ પ્રાણીઓ, નિવૃત્ત સૈનિકો અને સંવેદનશીલ લોકો પર પડતી નકારાત્મક અસર હોવાનું જણાવાયું છે. RSPCA એ “ફટાકડા-મુક્ત ઝોન” અપનાવવા માટેના આહવાનને ફરીથી શરૂ કર્યું છે.
સરકારે હાલના નિયમોનો બચાવ કરી લોકોની “તીવ્ર લાગણીઓ” સ્વીકારી, તહેવારોની મોસમ દરમિયાન જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રાણી કલ્યાણ જૂથો સાથે કામ કરવાનું વચન આપ્યું હતું.
કેટલાક લોકો ખૂબ જ જોખમી ફટાકડા હાથમાં પકડીને અને રોડ પરથી પસાર થતા વાહનોની નજીકમાં ફોડતા હોવાનું જણાયું હતું.














