અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધની કાર્યવાહી વચ્ચે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તમામ ગ્રીનકાર્ડ ધારકો અને વિદેશી લોકો માટે નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમો અનુસાર તમામ ઇમિગ્રન્ટ્સ અને બિન-નાગરિકોએ હવે અમેરિકામાં પ્રવેશતી વખતે અને અમેરિકાથી રવાના થતી વખતે તસવીર – ફોટોગ્રાફ ક્લિક કરાવવો પડશે.
ફેડરલ રજિસ્ટર સમક્ષ કરાયેલા ફાઇલિંગ અનુસાર તમામ નોન-સિટિઝન્સ માટે તેમના પ્રવેશ અને વિદાય વખતે વ્યાપક ડેટા ગેધરિંગથી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે મદદ મળશે અને પ્રવાસન દસ્તાવેજ સાથે ચેડા અને વિઝા ઓવરસ્ટેના કેસોમાં પણ મદદ મળશે.
અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સ તેમજ ગ્રીનકાર્ડ ધારકો સહિત તમામ વિદેશી નાગરિકોએ હવે આ નવા નિયમો હેઠળ પોતાનો બાયોમેટ્રીક ડેટા જમા કરાવવો તેમજ અમેરિકામાં પ્રવેશ અને ત્યાથી રવાના થતી વખતે ફોટોગ્રાફ પડાવવો ફરજીયાત રહેશે. વધુમાં 14 વર્ષ કે તેથી નીચેની વયના તેમજ 79 વર્ષથી ઉપરની વયના લોકોને અગાઉ અપાયેલી મુક્તિ પણ હવે રદ કરાઈ છે.
હાલ તો DHSએ માત્ર ફોટોગ્રાફ લેવાના નિયમનું જ જાહેરનામું બહાર પાડ્યું છે. અન્ય બાયોમેટ્રીક ડેટા જેવો કે ફિંગરપ્રિન્ટ્સ પણ સીબીપી અધિકારીઓ દ્વારા લેવાશે.
અહેવાલો અનુસાર સીબીપી અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોની માહિતી, વિઝા અરજીમાં તસવીર અને પાસપોર્ટની તસવીરોનો ઉપયોગ ફેસિયલ કમ્પેરિઝન ટેક્નોલોજી સાથે ઉપયોગમાં લેવાશે જેથી કરીને મુસાફરની ઓળખની ખરાઇ કરી શકાય.














