
બિહાર વિધાનસભા ચૂંટણીના મહત્ત્વપૂર્ણ પ્રથમ તબક્કા માટે 121 બેઠકો પર ગુરુવારે, 6 નવેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં ખાસ કરીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મુકાબલો છે.
આ બેઠકો આશરે 3.75 કરોડ મતદાતાઓ પર વિપક્ષી ઇન્ડિયા બ્લોકના મુખ્યપ્રધાનના ચહેરા તેજસ્વી યાદવ, રાજ્યના બે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત કુલ 1,314 ઉમેદવારોના રાજકીય ભાવિ નિર્ધારિત કરશે.
પ્રથમ તબક્કાની ચૂંટણી રાઘોપુરથી તેજસ્વી યાદવ, મહુઆથી તેમના ભાઇ તેજપ્રતાપ યાદવ, તારાપુરથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને મુખ્યપ્રધાન નીતિશ કુમાર કેબિનેટના ઘણા પ્રધાનોના રાજકીય ભાવિનો મતદાતા ફેંસલો કરશે. અલીનગરથી ગાયિકા મૈથિલી ઠાકુર, લખીસરાયથી ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિંહા, મોકામાથી જેડી(યુ)ના બાહુબલી ઉમેદવાર અનંત સિંહ, રઘુનાથપુરથી ગેંગસ્ટર મોહમ્મદ શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબના ભાવિ પણ નિર્ધારિત થશે
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી હેટ્રિક મારવા માગે છે. તેમના મુખ્ય હરીફ ભાજપના સતીશ કુમારે 2010માં JD(U)ના પ્રતીક પર ચૂંટણી લડતી વખતે તેમની માતા રાબડી દેવીને હરાવ્યાં હતાં. આ બેઠક પર હાઈ-વોલ્ટેજ સ્પર્ધા થવાની ધારણા હતી, કારણ કે જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેઓ તેજસ્વીને તેમના ગઢમાં પડકારશે. જોકે તેમણે પછીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો અને તેમની પાર્ટીએ ઓછા લોકપ્રિય ઉમેદવાર ચંચલ સિંહને ટિકિટ આપી હતી.
મહુઆ બેઠક પર લાલુ પરિવારથી અલગ થયેલા તેજસ્વીના ભાઈ તેજ પ્રતાપ મેદાનમાં છે. તેજ પ્રતાપે જનશક્તિ જનતા દળ નામની નવી પાર્ટી બનાવી છે. જોકે તેમની બેઠક પર બહુકોણિય જંગ ખેલાશે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના મોટા પુત્ર આરજેડીના વર્તમાન ધારાસભ્ય મુકેશ રૌશન પાસેથી બેઠક છીનવી લેવા માંગે છે. જોકે NDAના ઘટક પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ઉમેદવાર સંજય સિંહ અને 2020ના રનર-અપ અપક્ષ આશ્મા પરવીનની ઉમેદવારીની કારણે બેઠક પર રસપ્રદ જંગ જોવા મળશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર સરકારના ઘણા મંત્રીઓના ભાવિનો પણ મતદારો ફેંસલો કરશે. તેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાનો સમાવેશ થાય છે. વિજય કુમાર સિંહા કોંગ્રેસના અમરેશ કુમાર અને જન સુરાજ પાર્ટીના સૂરજ કુમારને હરાવીને સતત ચોથી મુદત માટે લખીસરાયને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
વિધાન પરિષદમાં સતત બીજા ટર્મમાં ચૂંટાયેલી સમ્રાટ ચૌધરી આશરે એક દાયકા પછી તારાપુરથી સીધી ચૂંટણી લડી રહ્યાં છે. જો તેમને વિજય મળશે તો ભાજપમાં તેમનું સ્થાન વધુ મજબૂત બનશે.













