આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ભારત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યું હતું. હવે ફાઇનલમાં 2 નવેમ્બરે ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી ઊંચા ટાર્ગેટ હાંસલ કરીને ભારતે આ વિજય મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જોકે 339 રનના જંગી ટાર્ગેટનો પીછો કરતાં ભારતે અદભૂત બેટિંગ કરી હતી. જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરીને ભારતના વિજય અપાવ્યો હતો. ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
મહિલા વર્લ્ડકપની અત્યાર સુધીની તમામ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. સતત 25 વન-ડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી હતી આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે.
જેમિમાએ અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બની હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે.














