ઓસ્ટ્રેલિયા
Philippe Dave Hunt/AAP Image via REUTERS

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 સીરીઝનો ભારે રોમાંચ પછી નિરાશાજનક રીતે અંત આવ્યો હતો અને પ્રથમ ટી-20ની માફક જ બ્રિસ્બેનમાં રમાયેલી પાંચમી અને છેલ્લી મેચ પણ વરસાદના વિક્ષેપના કારણે અધુરી પડતી મુકવાની ફરજ પડી હતી. તેના પગલે સીરીઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો.

ગયા સપ્તાહે શનિવારે (8 નવેમ્બર) ગબા ખાતેની મેચમાં ઓસ્ટ્રેલિયાના સુકાની મિચેલ માર્શે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. વરસાદના વિક્ષેપના કારણે ફક્ત 4.5 ઓવરની રમત શક્ય બની હતી, જેમાં ભારતના ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલે અણનમ રહી 52 રન કર્યા હતા. ભારતના યુવા, સેન્સેશનલ ઓપનર અભિષેક શર્માને સીરીઝમાં સૌથી વધુ, 163 રન કરવા બદલ પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.

ચોથી ટી-20માં ભારતનો 48 રને વિજયઃ એ પહેલા ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં ભારતે યજમાન ટીમને 48 રને હરાવી હતી. મિચેલ માર્શે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ભારતે 8 વિકેટે 167 રનનો થોડો પડકારજનક સ્કોર ખડક્યો હતો. જો કે, એકપણ ભારતીય બેટર અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો.

ઓપનર, ઉપસુકાની શુભમન ગિલે 39 બોલમાં 46 રન કર્યા હતા, તો અભિષેક શર્માએ 21 બોલમાં 28 રન કર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર નાથન એલિસ અને સ્પિનર એડમ ઝામ્પાએ 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 18.2 ઓવરમાં 119 રન સુધી જ પહોંચી શકી હતી. એકમાત્ર ઓપનર, સુકાની મિચેલ માર્શ 30 રન સુધી પહોંચી શક્યો હતો, તો તેના સાથી ઓપનર મેથ્યુ શોર્ટના 25 સિવાય કોઈ બેટર 20 સુધી પણ પહોંચી શક્યા નહોતા. પાંચમી ઓવરમાં પહેલી અને નવમી ઓવરમાં બીજી વિકેટ ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયન વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. વોશિંગ્ટન સુંદરે ફક્ત 1.2 ઓવરમાં 3 રન આપી ત્રણ વિકેટ, અક્ષર પટેલ અને શિવમ દુબેએ બે-બે વિકેટ લીધી હતી.

LEAVE A REPLY