મૂળ ખેડાના જિલ્લાના રાજેશ પટેલ શેન્કલિન ટાઉનના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઇ આવ્યાં છે. શેન્કલિન ટાઉન કાઉન્સિલે શેન્કલિન સાઉથનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર રાજેશ પટેલ શેન્કલિનના નવા ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.
કાઉન્સિલર રાજેશ પટેલે અગાઉ સેન્ડાઉનના મેયર તરીકે બે વર્ષ સેવા આપી હતી અને બ્રેડિંગ રોમન વિલામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. તેથી તેઓ સ્થાનિક વહીવટમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ આઇલ ઓફ વાઈટમાં સમુદાય સેવા પ્રત્યે લાંબા સમયથી પ્રતિબદ્ધ છે.
ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવવાની બાબત સ્થાનિક જીવનમાં સુધારો લાવવાના તથા રહેવાસીઓ અને કાઉન્સિલ વચ્ચે સકારાત્મક જોડાણને પ્રોત્સાહન આપવા માટે તેમના સતત સમર્પણને પ્રતિબિંબિત કરે છે. કાઉન્સિલર રાજેશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના ખેડા જિલ્લાના ગડાનો વતની છે.
ચૂંટણીમાં વિજય પછી કાઉન્સિલર રાજેશ પટેલે જણાાવ્યું હતું કે શેન્કલિનના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઇ આવવું તે ખરેખર સન્માનની બાબત છે. હું મારા સાથી કાઉન્સિલરોનો તેમના વિશ્વાસ અને સમર્થન બદલ આભાર માનું છું. અગાઉ સેન્ડાઉનના મેયર તરીકે સેવા આપી ચૂક્યા પછી, મેં ટીમવર્ક અને સમુદાય ભાવનાનું મૂલ્ય પ્રત્યક્ષ જોયું છે. હું શેન્કલિન માટે વાસ્તવિક ફરક લાવવા માટે મેયર, કાઉન્સિલરો અને રહેવાસીઓ સાથે કામ કરવા આતુર છું.
ડેપ્યુટી મેયર તરીકે, કાઉન્સિલર રાજેશ પટેલ નાગરિક કાર્યક્રમો અને સમુદાય કાર્યક્રમોમાં શહેરનું પ્રતિનિધિત્વ કરવામાં મદદ કરશે, સાથે સાથે સ્થાનિક પુનર્જીવન, પર્યાવરણીય જવાબદારી અને સમુદાય સુખાકારી પર કેન્દ્રિત પહેલને આગળ વધારવામાં મદદ કરશે.













