એર ઇન્ડિયા
(ANI Photo)

અમદાવાદમાં 12 જુનના રોજ સર્જાયેલી એર ઇન્ડિયાની ગોઝારી દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર 39 વર્ષીય વિશ્વાસકુમાર રમેશ હજુ પણ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો છે. આ દુર્ઘટનામાં વિશ્વાસ રમેશ વિમાનમાં ઇમરજન્સી એક્ઝિટની બાજુની સીટ 11A પર બેઠા હતા અને તે સળગતા કાટમાળમાંથી બહાર નીકળી જતાં બચી ગયો હતો.

11J સીટ પર બેઠેલા તેમના નાના ભાઈ અજયકુમાર સહિત અન્ય તમામ મુસાફરોના મોત થયા હતા. ભારતમાં ટૂંકી સારવાર પછી, રમેશ 15 સપ્ટેમ્બરના રોજ યુકે પરત આવ્યા હતા અને કહે છે કે તેમને હજુ સુધી NHS તરફથી માનસિક સારવાર મળી નથી. તેઓ લેસ્ટરમાં રહે છે, તેમને ચાલવામાં તકલીફ પડે છે, વાહન ચલાવી શકતા નથી. તેઓ ઘરમાં મોટાભાગે એકાંતમાં રહે છે.

તેઓ કહે છે કે, ‘માનસિક રીતે હું સંપૂર્ણ ભાંગી ગયો છું.’ તેઓ દીવમાં પોતાના ભાઇ સાથે માછીમારીના પારિવારિક બિઝનેસનું પણ સંચાલન કરતા હતા, તે પણ હવે લગભગ પડી ભાંગ્યો છે, જેના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ છે. તેમનાં પત્ની દુર્ઘટના પછી બે મહિના માટે ભારત ગયા પછી યુકેમાં સરકાર તરફથી તેમને મળતી નાણાકીય સહાય પણ અટકી ગઇ હતી.

એર ઇન્ડિયાએ વિશ્વાસકુમારની સ્થિતિને ધ્યાનમાં રાખીને વચગાળાની રાહતરૂપે રૂ. 25 લાખ (અંદાજે £21,500) આપ્યા છે, પછી અંતિમ વળતરરૂપે જે રકમ નક્કી કરાશે તેની સામે આ રકમ એડજસ્ટ કરાશે. જોકે, વિશ્વાસકુમારે આ 25 લાખની સહાયને યુકેમાં તેમના રહેવાના ખર્ચ અને મેડિકલ ખર્ચ સામે અપર્યાપ્ત હોવાનું કહ્યું હતું.

આ પરિવારને મદદ કરી રહેલા સમાજના આગેવાન સંજીવ પટેલ અને ક્રાઇસીસ એડવાઇઝર રાડ સીગરે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અને યુકેના સત્તાધિશો બંનેએ સમયસર અને જરૂરી સહાય આપી નથી. સીગરે કહ્યું કે, એર ઇન્ડિયાના ટોચના પદાધિકારીઓ સાથે મુલાકાત માટે અનેકવાર વિનંતી કરી હોવા છતાં તેમના તરફથી કોઇ જવાબ મળ્યો નથી. આ અંગે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેઓ વિશ્વાસ રમેશ અને તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યેની જવાબદારી અંગે ‘ગંભીર રીતે સભાન’ છે. તાતા ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ પરિવારોને મળ્યા છે અને વિશ્વાસ રમેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવા પણ તૈયાર છે, જે અંગે સંપર્ક થઇ રહ્યો છે.

અત્યારે વિશ્વાસ રમેશ પોતાના ભાઇના શોકમાં પોતાની શારીરિક પીડાના નિવારણ, શારીરિક રીતે સક્રિય થવા અને માનસિક રીતે સ્વસ્થ થવા પર ધ્યાન આપી રહ્યા છે. આ ઉપરાંત અનિશ્ચિત ભવિષ્ય અંગે વિચારી રહ્યા છે.

LEAVE A REPLY