“ઉલઝાન” અને “ચેહરે પે ચેહરા” જેવી ફિલ્મો માટે જાણીતા પીઢ અભિનેત્રી અને પ્લેબેક સિંગર સુલક્ષણા પંડિતનું ગુરુવાર, 6 નવેમ્બરે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. સુલક્ષણાને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી આવ્યાં હતાં, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.
તેમના ભાઈ લલિત પંડિતે જણાવ્યું હતું કે “સાંજે 7 વાગ્યાની આસપાસ કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી અને થોડા અસ્વસ્થ લાગતાં હતા. અમે નાણાવટી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યાં હતાં, પરંતુ અમે હોસ્પિટલ પહોંચીએ તે પહેલાં જ અવસાન થયું હતું.”
સુલક્ષણાએ ૧૯૭૫માં સંજીવ કુમાર સાથે “ઉલઝાન” ફિલ્મથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ રાજેશ ખન્ના, શશિ કપૂર અને વિનોદ ખન્ના સહિત તેમના જમાનાના લગભગ તમામ ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેમની અન્ય મુખ્ય ફિલ્મો “સંકોચ”, “હેરા ફેરી”, “ખાનદાન” અને “ધરમ કાંટા” છે.
તેમણે પ્લેબેક સિંગર તરીકે એટલી જ પ્રભાવશાળી કારકિર્દી પણ બનાવી હતી અને “તુ હી સાગર તુ હી કિનારા”, “પરદેસિયા તેરે દેશ મેં”, “બેકરાર દિલ તુટ ગયા”, “બંધી રે કહે પ્રીત”, અને “સોમવાર કો હમ મિલે” જેવા હિટ ગીતો ગાયા હતા.
તેઓ હરિયાણાના હિસારના એક સંગીત પરિવારમાંથી આવતાં હતી. પંડિત જસરાજ તેમના કાકા હતાં.સુલક્ષણાએ નવ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને ભાઈ મંધીર સાથે સંગીતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના ભાઈ-બહેનો જતીન પંડિત, લલિત પંડિત અને વીતેલા સમયની અભિનેત્રી વિજયતા પંડિત છે.













