ભારતમાંથી ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, મરીન પ્રોડક્ટ્સની નિકાસ અમેરિકા સિવાયના દેશોમાં વધી છે. આ નોંધપાત્ર વધારો જાન્યુઆરી-સપ્ટેમ્બર 2025ના સમયગાળામાં જોવા મળ્યો હતો. અમેરિકાના આકરા ટેરિફ વચ્ચે નિકાસમાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે અને તે દર્શાવે છે કે નિકાસકારો અન્ય દેશ તરફ વળી રહ્યા છે.
કોમર્સ મંત્રાલયના ડેટા અનુસાર યુએઈ, વિયેતનામ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા જેવા દેશોમાં નિકાસ વધી છે. એશિયા, યુરોપ અને વેસ્ટ એશિયામાં ભારતીય વસ્તુઓની માંગ વધી છે. મરીન પ્રોડકટ્સની નિકાસ જાન્યુઆરી-સપ્ટેમ્બરના ગાળામાં 15.6 ટકા વધીને 4.83 બિલિયન ડોલર થઈ હતી. આ પૈકી મોટાભાગની નિકાસ અમેરિકા સિવાયના દેશોમાં થઈ છે.
અમેરિકામાં ભારતીય મરીન પ્રોડક્ટ્સની ખૂબ માગ જોવા મળી હતી, ત્યાં 1.44 બિલિયન ડોલરની નિકાસ ત્યાં થઈ છે. પરંતુ વિયેતનામ (100.4 ટકા), બેલ્જિયમ (73 ટકા), અને થાઈલેન્ડ (54.4 ટકા)માં સૌથી વધુ નિકાસ વૃદ્ધિ જોવા મળી છે. વળી, તે દર્શાવે છે કે ભારતીય કંપનીઓએ સી ફૂડ ટ્રેડ એશિયા અને યુરોપમાં જ વધારે કર્યો છે.
ચીનમાં પણ આ સેક્ટરની વસ્તુઓની નિકાસ 9.8 ટકા વધી છે. મલેશિયામાં 64.2 ટકા અને જાપાનમાં 10.9 ટકા વધી છે. તે દર્શાવે છે કે ભારતીય મરીન પ્રોડક્ટ્સની એશિયન દેશોમાં ઘણી માગ વધી છે. ટેક્સટાઈલની નિકાસ પેરુ અને નાઇજીરીયા જેવા નવા અને ઊભરતા બજારોમાં પ્રવેશ કરી રહી છે. ભારતની ટેક્સટાઈલ નિકાસમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર 2025 દરમિયાન 1.23 ટકાનો સાધારણ પરંતુ સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે, જે 28.05 બિલિયન ડોલર સુધી પહોંચી છે, જે ઘણા બિન-અમેરિકન બજારોમાં મજબૂત માંગ દ્વારા સમર્થિત ધીમે ધીમે પુનઃપ્રાપ્તિના તબક્કાને પ્રતિબિંબિત કરે છે. યુએઇ નિકાસમાં 8.6 ટકા (136.5 મિલિયન ડોલર) વૃદ્ધિ સાથે વૃદ્ધિમાં આગળ રહ્યું, જે ભારતીય કાપડ માટે એક મુખ્ય પ્રાદેશિક કેન્દ્ર તરીકે તેની સ્થિતિને ફરીથી સ્થાપિત કરે છે.













