ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે લાંબી કાનૂની લડાઈ લડનાર ઇન્દોરની મહિલા શાહ બાનો બેગમની પુત્રીએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં હિન્દી ફિલ્મ ‘હક’ની રિલીઝ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટે આ અરજીને ફગાવી દઇને જણાવ્યું હતું કે વ્યક્તિનો પ્રતિષ્ઠા અથવા ગોપનીયતાનો અધિકાર વારસાગત નથી.
અરજીમાં દાવો કરાયો છે કે આ ફિલ્મ તેની માતાના અંગત જીવનની ઘટનાઓને ખોટી રીતે રજૂ કરે છે.
સુપર્ણ એસ વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શુક્રવારે (૭ નવેમ્બર)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. તે શાહ બાનો કેસથી પ્રેરિત હોવાનું કહેવાય છે. શાહબાનો કેસમાં ૧૯૮૫માં સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પછી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મેળવવાનો હક હોવાનો અંગે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો. જોકે તે પછી મુસ્લિમોના વિરોધને પગલે તત્કાલિન રાજીવ ગાંધી સરકારે સંસદમાં કાયદો પસાર કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોડ્યો હતો.
આ ફિલ્મમાં અભિનેતા ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.શાહબાનો બેગમની પુત્રી સિદ્દીકા બેગમ ખાન દ્વારા હાઈકોર્ટની ઈન્દોર બેન્ચમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ તેમના પરિવારની સંમતિ વિના બનાવવામાં આવી હતી અને તે તેમની સ્વર્ગસ્થ માતાના અંગત જીવનની ઘટનાઓને ખોટી રીતે રજૂ કરે છે.
શાહ બાનો ઇન્દોરની રહેવાસી હતી. ૧૯૭૮માં છૂટાછેડા લીધા પછી, તેણીએ તેના વકીલ-પતિ મોહમ્મદ અહેમદ ખાન પાસેથી ભરણપોષણ મેળવવા માટે સ્થાનિક કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે ૧૯૮૫માં તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદામાં એવું કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ પણ કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ, તત્કાલીન રાજીવ ગાંધી સરકારે 1986માં મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર અધિકારોનું રક્ષણ) કાયદો લાગુ કર્યો હતો. આ કાયદાએ શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.













