વર્ષ
(ANI Photo)

2025ના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આ વર્ષને પૂર્ણ થવામાં હવે માત્ર બે મહિનાનો સમય છે. આ દરમિયાન યામી ગૌતમ ધર, ઇમરાન હાશ્મી, કાર્તિક આર્યન, અનન્યા પાંડે, ફરહાન અખ્તર, નસીરુદ્દીન શાહ, ધનુષ, ક્રિતિ સેનન, રણવીર સિંહ, આર.માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જુન, આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ જેવા જાણીતા કલાકારોની મોટા બજેટની આઠ ફિલ્મો રીલીઝ થશે.

હક–નવેમ્બર 7
યામી ગૌતમ ધર, ઇમરાન હાશ્મી

આ ફિલ્મનું દિગ્દર્શન સુપર્ણ વર્માએ કર્યું છે. આ ફિલ્મ શાહબાનો બેગમ વિરુદ્ધ મહોમ્મદ અહેમદ ખાન કેસની બંધારણની કલમ 44 અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ માટેની 30 વર્ષ જુની કાનૂની લડત પર આધારીત છે, જેમાં યામી ગૌતમનું પાત્ર કેન્દ્રમાં છે. જ્યારે ઇમરાન હાશ્મી શાઝિયાના પતિનો અને કોર્ટમાં વિપક્ષની ભૂમિકા ભજવે છે. આ પહેલાં સુપર્ણ વર્માએ મનોજ બાજપાઇ સાથે બનાવેલી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ પણ વખણાઈ હતી, તેમાં પણ એક કોર્ટ કેસની જ કહાની હતી.

120 બહાદુર–નવેમ્બર 21
ફરહાન અખ્તર, રાશિ ખન્ના

આ ફિલ્મનું દિગ્દર્શન રઝનિશ ઘાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ વધુ એક સત્ય ઘટના અને વાસ્તવિક જીવનના હીરો પર આધારીત ફિલ્મ છે, જેમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયેલી રેઝંગલાની લડાઈ પર આ ફિલ્મ બની છે. ફરહાન અખ્તર મેજર શૈતાન સિંઘના રોલમાં છે, જેમની આગેવાનીમાં 120 બહાદુર સૈનિકોએ ચીનના હજારો સૈનિકોને ખદેડ્યા હતા. રઝનિશ ઘાઇએ અગાઉ કંગના રણૌત સાથે બનાવેલી ધાકડ ફિલ્મ ખાસ ચાલી નહોતી પરંતુ ફરહાને 20 વર્ષ પહેલાં તેમની સાથે કરેલી લક્ષ્ય ફિલ્મ વખણાઈ હતી, તેથી આ જોડી પાસેથી આવી રહેલી નવી ફિલ્મ અને તેની રસપ્રદ વાર્તાના કારણે ઘણી અપેક્ષા છે.

ગુસ્તાખ ઇશ્ક–નવેમ્બર 21
નસીરુદ્દીન શાહ,વિજય વર્મા અને ફાતિમા સના શેખ

આ ફિલ્મ દ્વારા જાણીતા ફેશન ડીઝાઇર મનિષ મલ્હોત્રા પ્રથમવાર નિર્માતા તરીકે પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મ વિભુ પુરી દ્વારા દિગ્દર્શિત છે. ‘120 બહાદુર’ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટક્કર લઈ રહી છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે. તેના ગીતથી ઘણી ઉત્સુકતા બનેલી છે. ટીઝરમાં જુના દિલ્હીની ઝલક જોવા મળે છે, ખાસ તો ગુલઝારના લિરિક્સ અને વિશાલ ભારદ્વાજના સંગીતનો એક અલગ પ્રસંશક વર્ગ છે, જેઓ આ ફિલ્મની રાહમાં છે.

તેરે ઇશ્ક મેં–28 નવેમ્બર
ધનુષ, ક્રિતિ સેનન

આનંદ એલ. રાયની આ ફિલ્મને ‘રાંઝણા’ની સીક્વલ માનવામાં આવી રહી છે. ટીઝર પરથી આ ફિલ્મ અભિમાન અને જુસ્સો ભરેલી લવસ્ટોરી જણાય છે. આ કોઈ સામાન્ય લવ સ્ટોરી નથી જણાતી, કારણ કે આનંદ એલ.રાય પણ અલગ અલગ પ્રકારની લવસ્ટોરી બનાવવા માટે જાણીતા દિગ્દર્શક છે. આ પહેલાં પણ ધનુષ અને સોનમ પૂરની રાંઝણા ખુબ વખણાઈ હતી.

ધૂરંધર-ડિસેમ્બર 5:
રણવીર સિંહ, આર.માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જૂન

આ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર છે, આ ફિલ્મનું ટીઝર આ વર્ષનું સૌથી ધમાકેદાર ટીઝર ગણાય છે. આ ફિલ્મમાં પણ દેશના જાસૂસોની વાત છે. રણવીર સિંહ લાંબા સમય પછી એક ઇન્ટેન્સ રોલ કરી રહ્યો હોવાથી આ ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા છે. તેની ફિલ્મ બે વર્ષથી આવી નથી. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જે આદિત્ય ધરની પણ ‘ઉરી’ પછી છ વર્ષે આવી રહેલી એક ફિલ્મ છે. આ ફિલ્મમાં તેના નામ જેવા જ ધૂરંધર કલાકારોની કારણે પણ તેની ઘણી ઉત્સુકતા છે.

ઇક્કિસ-ડિસેમ્બર 2025:
અગત્સ્ય નંદા, ધર્મેન્દ્ર, જયદીપ આહલાવત, સિમર ભાટીયા

શ્રીરામ રાઘવનને થ્રિલર ફિલ્મના નિષ્ણાત માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેઓ પરમવીર ચક્રથી સન્માનિત અરુણ ખેતરપાલના જીવનને દર્શાવશે. તેમણે 21 વર્ષની ઉંમરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં બસંતરના યુદ્ધમાં ભાગ લીધો હતો. રાઘવન આ પહેલાં અંધાધૂંધ અને જોની ગદ્દાર અને મેરી ક્રિસમસ જેવી ફિલ્મ આપી ચૂક્યા છે. તેઓ આ ફિલ્મને સામાન્ય બાયોપિકથી અલગ ગણાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા ‘ધ આર્ચિસ્ટોરી’ પછી પ્રથમવાર મોટા પડદે પદાર્પણ કરી રહ્યો છે, તાજેતરમાં તેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આલ્ફા–ડિસેમ્બર 25
આલિયા ભટ્ટ, શર્વરી વાઘ, બોબી દેઓલ

યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની ‘વૉર 2’ને મળેલી નિષ્ફળા પછી ફરી એક નવી ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે. જેમાં આલિયા અને શર્વરીનો એક્શન અવતાર જોવા મળશે. અગાઉની ફિલ્મમાં બોબી દેઓલની એક ઝલક મળી હતી, જેણે માર્વેલની ફિલ્મની જેમ આ ફિલ્મમાં નવી ફિલ્મની ઝલક દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શિવ રવૈલ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે ‘ધ રેલવે મેન’ નામની એક ખૂબ વખણાયેલી ઓટીટી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

તુ મેરી મે તેરી, મે તેરા તુ મેરી- ડિસેમ્બર 31
કાર્તિક આર્યન, અનન્યા પાંડે

આ ફિલ્મમાં રુમી અને રે વચ્ચેની લવ સ્ટોરી છે, જે વર્ષના અંતિમ દિવસે ક્રિસમસ વેકેશન અને નવા વર્ષના માહોલમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક સમીર વિદ્વાન્સે અગાઉ કાર્તિક અને કિઆરાની ‘સત્ય પ્રેમ કી કથા’ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું શૂટિંગ ક્રોએશિયા સહિતના દેશોમાં કરવામાં આવ્યું છે, જે ફિલ્મના બિહાઇન્ડ ધ સીન ફોટોઝમાંથી ખ્યાલ આવે છે.

LEAVE A REPLY