અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન કાયદાની ‘પબ્લિક ચાર્જ’ જોગવાઇનો ફરી અમલ કરીને સરકાર માટે બોજારૂપ બને તેવા અથવા ગંભીર બિમારીઓ ધરાવતા વિદેશીઓ માટે વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બનાવ્યું છે. વિદેશ વિભાગે વિશ્વભરના દૂતાવાસોને ‘પબ્લિક ચાર્જ’ નિયમ હેઠળ નવા વ્યાપક વિઝા સ્ક્રીનીંગ નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર આરોગ્ય, ઉંમર, અંગ્રેજી ભાષાની કુશળતા, નાણાકીય સ્થિતિ તેમજ તબીબી સહાય અને સંભાળની લાંબા ગાળાની જરૂરિયાત જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને સરકારી લાભો પર આધાર રાખતા અરજદારોને વિઝા નકારવામાં આવશે.
યુએસ ઇમિગ્રેશન નીતિ હેઠળ ‘પબ્લિક ચાર્જ’ નિયમ હેઠળ અધિકારીઓને એવા કોઇપણ વિદેશીને વિઝા આપવાનો ઇનકાર કરી શકે કે જેઓ સરકારી સહાય પર નિર્ભર હોઇ શકે છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં પણ આ નિયમો અમલી બનાવ્યો હતો, પરંતુ આ વખતે તેના વ્યાપમાં પણ વધારો કર્યો છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડને આ નિયમે હળવા કર્યો હતો. જોકે હવે ફરી પ્રેસિડન્ટ બન્યા પછી ટ્રમ્પ આ નિયમનો કડકાઈથી પાલન કરવા માગે છે.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આત્મનિર્ભરતા યુ.એસ. ઇમિગ્રેશન નીતિનો લાંબા સમયથી ચાલતો સિદ્ધાંત રહ્યો છે અને પબ્લિક ચાર્જના આધારે પ્રવેશ ન આપવનો નિયમ 100 વર્ષથી ઇમિગ્રેશન કાયદાનો એક હિસ્સો રહ્યો છે.
આ આદેશમાં કોન્સ્યુલર અધિકારીઓને જાહેર લાભો પર આધાર રાખતા અરજદારોને વિઝા આપવાનો ઇનકાર કરવાની તાકીદ કરાઈ છે. કોન્સ્યુલર અધિકારીઓ આરોગ્ય, ઉંમર, અંગ્રેજી ભાષાની કુશળતા, નાણાકીય બાબતો તેમજ બિમારીઓ જેવી બાબતોને ધ્યાનમાં રાખશે.
વિશ્વભરના દૂતાવાસોને આપેલા આદેશમાં જણાવાયું છે કે તમારે કેસના તમામ પાસાઓની તપાસ કરવાની રહેશે, જેમાં પિટિશન, વિઝા અરજી, મેડિકલ રીપોર્ટ, સહાયનું સોગંદનામું અને સ્ક્રીનીંગ અને ચકાસણી દરમિયાન બહાર આવેલી કોઈપણ માહિતીનો સમાવેશ થાય છે. સરકારની રોકડ સહાયનો અગાઉનો કોઈપણ ઉપયોગ પણ ઇનકાર માટેનો આધાર બની શકે છે.
નવા નિયમનો અર્થ એવો થાય છે કે ડાયાબિટીસ અથવા સ્થૂળતા જેવી બિમારી ધરાવતા લોકોને પણ વિઝાનો ઇનકાર થઈ શકે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જો વિઝા આપવામાં આવે તો આ વ્યક્તિઓ જાહેર લાભો પર આધાર રાખી શકે છે અને સંભવિત રીતે યુએસ સંસાધનમાં ઘટાડો થઈ શકે છે.
આદેશમાં જણાવાયું છે કે તમારે અરજદારના આરોગ્યને ધ્યાનમાં લેવું જોઈએ. કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, શ્વસન રોગો, કેન્સર, ડાયાબિટીસ, મેટાબોલિક રોગો, ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય જેવી મેડિકલ સ્થિતિમાં લાખો ડોલરના સંભાળની જરૂર પડી શકે છે. આ તમામ બિમારીઓ ખર્ચાળ છે, લાંબા ગાળાની સંભાળની જરૂર પડી શકે છે.
વિઝા અધિકારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારો યુએસ સરકાર પર આધાર રાખ્યા વિના સ્વતંત્ર રીતે તબીબી સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરે.અરજદારો ઉપરાંત, અધિકારીઓએ બાળકો અથવા વૃદ્ધ માતાપિતા સહિત પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનો પણ વિચાર કરવાનો રહેશે. કોઈ વિઝા અરજદારના આશ્રિતને અપંગતા, ગંભીર બિમારી છે કે નહીં અને તેનાથી અરજદારની નોકરીને અસર થઈ શકે તેમ છે કે નહીં તેની પણ ચકાસી થશે.
સંભવિત ઇમિગ્રન્ટ્સના આરોગ્યનું મૂલ્યાંકન લાંબા સમયથી વિઝા પ્રક્રિયાનો એક ભાગ રહ્યું છે. હાલમાં વિઝા અધિકારીઓ ટીબી જેવા ચેપી રોગો અને રસીના ઇતિહાસની સમીક્ષા કરતાં હોય છે. જોકે નિષ્ણાતો કહે છે કે નવી માર્ગદર્શિકા મૂલ્યાંકન કરવા માટેની બિમારીઓની યાદીને વધુ વ્યાપક બનાવવામાં આવી છે.
કેથોલિક લીગલ ઇમિગ્રેશન નેટવર્કના વરિષ્ઠ વકીલ ચાર્લ્સ વ્હીલરના જણાવ્યા અનુસાર, નવી માર્ગદર્શિકા લગભગ તમામ વિઝા અરજદારોને લાગુ પડે છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત એવા કિસ્સાઓમાં જ થવાની શક્યતા છે જ્યાં અરજદાર કાયમી ધોરણે યુએસમાં રહેવા માંગે છે.













