રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નજીકથી એક ચોંકાવનારી વિસ્ફોટક જપ્તીમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમે હરિયાણાના ફરીદાબાદમાંથી 350 કિલો વિસ્ફોટક સામગ્રી (એમોનિયમ નાઈટ્રેટ) અને એક એસોલ્ટ રાઈફલ જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન 20 ટાઈમર, એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને એક વોકી-ટોકી સેટ પણ મળી આવ્યાં હતાં. આ વિસ્ફોટક સામગ્રી કાશ્મીરે ડોક્ટરે ભાડે રાખેલા મકાનમાંથી મળી આવી હતી.
ફરીદાબાદમાં બીજા એક ઘરમાંથી 2,563 કિલો શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. બંને મકાનો જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ડૉક્ટર ડૉ. મુજમ્મીલ શકીલે ભાડે લીધાં હતાં. મુજમ્મીલ કટ્ટરપંથીઓને સંડોવતા “વ્હાઇટ-કોલર” આતંકવાદી ઇકોસિસ્ટમમાં મુખ્ય કડી તરીકે ઉભરી આવ્યો છે.
શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતા પોસ્ટરો લગાવવાના આરોપમાં પોલીસે ઉત્તરપ્રદેશના સહારનપુરથી એક કાશ્મીરી ડૉક્ટરની ધરપકડ કર્યાના થોડા દિવસો બાદ આ મોટી કાર્યવાહી કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. આદિલ અહમદ રાથેરની પૂછપરછ દરમિયાન કરાયેલા ખુલાસા બાદ આ વિસ્ફોટકો મળી આવ્યા હતાં. આ વિસ્ફોટકો અને હથિયારો મુજમ્મીલ શકીલ તરીકે ઓળખાતા અન્ય ડૉક્ટરે એકઠા કર્યા હતા. ધરપકડ કરાયેલ શકીલ જમ્મુ અને કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે અને ફરીદાબાદની અલ-ફલાહ હોસ્પિટલમાં કામ કરે છે.
ફરીદાબાદ પોલીસ કમિશનર સતેન્દર કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ૩૫૦ કિલો વિસ્ફોટકો સાથે ૨૦ ટાઈમર પણ મળી આવ્યા છે. એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન અને એક વોકી-ટોકી સેટ પણ મળી આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 27 ઓક્ટોબરે શ્રીનગરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને સમર્થન આપતા પોસ્ટરો લાગ્યા હતા. સ્થાનિક પોલીસે આ મામલાની તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજમાં રાથેર પોસ્ટરો લગાવતો જોવા મળ્યો હતો. તેને ઉત્તરપ્રદેશના સહારનપુરમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને ગયા અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શોધી કાઢ્યું હતું કે રાથેર ગયા વર્ષે ઓક્ટોબર સુધી અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં કામ કરતો હતો.પોલીસે અનંતનાગમાં તેના લોકરની તપાસ કરી ત્યારે એક એસોલ્ટ રાઇફલ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે શેર કરેલી માહિતીના આધારે પોલીસે ફરીદાબાદમાં વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.












