મહારાષ્ટ્ર સરકાર લંડનમાં આવેલ પ્રતિષ્ઠિત “ઈન્ડિયા હાઉસ”ને પોતાના કબજામાં લેશે અને તેને સ્મારક તરીકે સાચવશે, એમ રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે બુધવારે જણાવ્યું હતું. ઇન્ડિયા હાઉસ એક સમયે વીર સાવરકર સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓનું નિવાસસ્થાન હતું.
શેલારે જણાવ્યું હતું કે લંડનમાં રહેતા ભારતીય રહેવાસીઓએ તેમની યાત્રા દરમિયાન રાજ્યનું ધ્યાન આ મિલકતના મહત્વ તરફ દોર્યું હતું. બુધવારે મંત્રાલય ખાતે એક સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નાસિકના ધારાસભ્ય દેવયાની ફરાંદે તથા સામાન્ય વહીવટ, સાંસ્કૃતિક બાબતો અને પુરાતત્વ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. ઈન્ડિયા હાઉસના સંપાદન અને જાળવણીની તપાસ કરવા માટે એક બહુ-વિભાગીય સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સમિતિને એક વ્યાપક અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ રીપોર્ટ આગળની કાર્યવાહી માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂ કરાશે. સમિતિ રાજ્યના નિયંત્રણ હેઠળ સ્થળને લેવા માટેની કાનૂની, નાણાકીય અને વહીવટી પદ્ધતિઓનો અભ્યાસ કરશે અને મુખ્યમંત્રીને વિગતવાર ભલામણો સુપરત કરશે.
૨૦મી સદીની શરૂઆતમાં વિદ્યાર્થી નિવાસસ્થાન તરીકે સ્થાપિત ઇન્ડિયા હાઉસ પાછળથી ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હતું. તે ઐતિહાસિક રીતે વિનાયક દામોદર સાવરકર અને અન્ય સહિત અનેક રાષ્ટ્રવાદી વ્યક્તિઓ સાથે જોડાયેલું છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત સંપાદન પછી મિલકતને મેમોરિયલ તરીકે વિકસાવશે.
આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારે લંડનમાં એક હરાજીમાં ૧૮મી સદીના મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલેની પ્રખ્યાત “રઘુજી તલવાર” ૪૭.૧૫ લાખ રૂપિયામાં ખરીદી હતી. આ તલવાર ઓગસ્ટમાં મુંબઈ પરત લાવવામાં આવી હતી.











