પીઢ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હોવાનું તેમના પરિવારના સભ્યોને ટાંકીને સોમવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક અઠવાડિયા પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ધર્મેન્દ્ર 8 ડિસેમ્બર, 2025ના રોજ 90 વર્ષના થશે. એપ્રિલમાં ધર્મેન્દ્રની આંખની સર્જરી થઈ હતી.
મીડિયા અહેવાલો અનુસાર, આજે વહેલી સવારથી પરિવારના સભ્યો વધુને વધુ વખત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે, જોકે પરિવાર કે હોસ્પિટલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. તેમની સ્થિતિથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર દેખરેખ હેઠળ છે અને સારવારનો પ્રતિભાવ આપી રહ્યા છે.
1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે સાથે ફિલ્મી સફરની શરૂઆત કરનાર ધર્મેન્દ્રએ 1960ના દાયકામાં અનપઢ, બંદિની, અનુપમા અને આયા સાવન ઝૂમ કે જેવી ફિલ્મોમાં સામાન્ય માણસની ભૂમિકા ભજવી હતી. આ પછી તેમણે શોલે, ધરમ વીર, ચુપકે ચુપકે, મેરા ગાંવ મેરા દેશ અને ડ્રીમ ગર્લમાં યાદગાર મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં જોવા મળ્યાં હતાં.












