કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી ટેસ્ટ મેચમાં શુક્રવાર, 14 નવેમ્બરે પ્રથમ દિવસે ભારત સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ જસપ્રીત બુમરાહના ઝંઝાવાત સામે ટકી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ઈનિંગનો આ સૌથી ઓછો સ્કોર છે.
ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.
એડન માર્કરમ અને રાયન રિકલ્ટને દક્ષિણ આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવીને 57 રનની ભાગીદારી કરી હતી. જોકે આ પછી વિકેટો પડવાની શરૂઆત થઈ હતી. માર્કરમ 31 અને રિકલ્ટન 23 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. ટોની ડી જોરજીએ 24 રન કર્યા હતાં.
જસપ્રીત બુમરાહએ આ ઈનિંગમાં 14 ઓવર નાંખી હતી, જેમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 5 મેડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહનો આ કારકિર્દીનો 16મો 5 વિકેટનો રેકોર્ડ હતો. જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઈશાંતે 2019માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી.












