બિહારની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન નીતિશકુમારની જોડી સુપરહીટ પુરવાર થઈ હતી. ચૂંટણીના શુક્રવાર, 14 નવેમ્બરે આવેલા રિઝલ્ટમાં આ જોડીએ ભાજપ અને જેડીયુના ગઠબંધનને પ્રચંડ વિજય અપાવ્યો હતો. લાલુ પ્રસાદ યાદવની આરજેડી, કોંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષોના મહાગઠબંધનની કારમી હાર થઈ હતી. રાજ્ય વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી સત્તાધારી એનડીએ ગઠબંધનનો 204 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી હતી. બિહારમાં સરકાર બનાવવા માટે 122 બેઠકોની બહુમતી જરૂરી છે.
રાજ્યમાં આશરે 95 ટકા સ્ટ્રાઇક રેટ સાથે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી. ચૂંટણીમાં ભાજપનો વિજય દર્શાવે છે કે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે અને લોકો તેમના નામ પર વોટ આપે છે.
બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનનો માત્ર 33 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી હતી.
ભાજપે 101 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને તેમાંથી ૯૫થી વધુ બેઠકો પર જીત મેળવી છે, જે દેશમાં નંબર વન રાજકીય બળ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે સાથી પક્ષો પર આધાર રાખવો પડ્યો હતો, જેના કારણે લાગેલો આંચકો સરભર થયો હોય તેમ લાગે છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપનો દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પ્રચંડ વિજય થયો હતો અને હવે બિહારમાં પણ જોરદાર સફળતા મળી છે.
નીતિશકુમારને મોદીના મજબૂત સમર્થનથી JD(U)ને પણ મોટો ફાયદો થયો હતો. 2020ની ચૂંટણીમાં જેડીયુ માત્ર 43 બેઠકો જીતી હતી, પરંતુ આ વખતે લગભગ 19 ટકા મતહિસ્સા સાથે 84થી વધુ બેઠકો પર આગળ હતી. પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવતા કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનની LJP(RV) પાર્ટી 28 બેઠકો લડી અને 19થી વધુ બેઠકો પર વિજય થયો હતો.
પટણમાં ભાજપ અને જેડી(યુ)ના કાર્યાલયો એકબીજાની સામે આવેલા છે, જ્યાં કાર્યકરોએ ઢોલ વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવી લીધો હતો.
આરજેડીનો દેખાવ શરમજનક રહ્યો હતો. તેના માત્ર 25 ઉમેદવારો જીત્યા હતાં અથવા સરસાઈ ધરાવતા હતાં. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનમાં “નબળી કડી” તરીકે જોવામાં આવતી કોંગ્રેસ 61માંથી માત્ર એક બેઠક પર આગળ હતી.
રાજ્યમાં ખાસ કરીને મુખ્યપ્રધાન નીતિશકુમારની પાર્ટી જનતાદળ (યુનાઇટેડ) અને ભાજપના ગઠબંધન એનડીએ તથા લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે મુકાબલો હતો. રાજ્યમાં થોડા વિપક્ષોને બાદ કરતાં છેલ્લાં 20 વર્ષથી નીતિશકુમાર મુખ્યપ્રધાન છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 6 નવેમ્બર (પહેલા તબક્કા) અને 11 નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. બંને તબક્કાનું મળીને કુલ રેકોર્ડ 67.13 ટકા મતદાન થયું હતું. રાજ્યની ચૂંટણી RJD-કોંગ્રેસ સરકારના ‘જંગલ રાજ વિરુદ્ધ નીતિશકુમારના સુશાસન’ના મુદ્દા પર લડાઈ હતી. વિપક્ષી મહાગઠબંધને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યો હતો.
આ ચૂંટણીની એક નોંધપાત્ર વિશેષતા પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની હાજરી રહી હતી. રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકીય નેતા બનેતા પ્રશાંત કિશોરની પાર્ટી પ્રથમ વાર ચૂંટણી લડી હતી. જોકે કોઇ પ્રભાવ પાડી શકે નથી. બિહારનું રાજકારણ જાતિ આધારિત છે. જાતિ અને સમુદાયની વફાદારી મહત્વપૂર્ણ રહે છે. યાદવો, કુશવાહ, કુર્મી, બ્રાહ્મણો અને દલિતો મુખ્ય બેઠકોમાં પરિણામોને નક્કી કરતા હોય છે.












