આધુનિક ગુજરાતી સિનેમા દિવસેને દિવસે પ્રયોગાત્મક બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી ફિલ્મોના દર્શકોને નવા અને અનોખા પ્રકારની ફિલ્મો જોવા-માણવા મળી રહી છે. ‘ચણિયા ટોળી’માં પણ પ્રયોગાત્મક કહાની છે. આ નવી ફિલ્મની વાર્તા એક એવા શિક્ષકની છે, જે સામાન્ય જીવન જીવી રહ્યો છે, પરંતુ એક દિવસ તે ગામની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જાણે છે.

ભ્રષ્ટાચાર અને જમીન કબજાની કારણે ગામ લોકોનું જીવન તકલીફમાં આવી જાય છે. આ શિક્ષક એક અલગ જ વિચાર રજૂ કરે છે, જો સીસ્ટમ ગરીબોને લૂંટે છે તો સીસ્ટમને જ કેમ ન લૂંટવી? એની આ યોજના સાથે માત્ર સાત મહિલાઓ અને એક વૃદ્ધ પુરુષ સંકળાયેલ છે. હિંમત, બુદ્ધિ અને મસ્તીના મિશ્રણ સાથે તેઓ બેંક લૂંટવાનું નક્કી કરે છે.

તેઓ ‘સૌ જન સેવા સહકારી બેંક’ને લૂંટવાનો પ્લાન બનાવે છે અને તે પ્રમાણે મહિલાઓને બંદૂક ચલાવવાની તાલીમ આપે છે. આ ફિલ્મમાં ગામની મહિલાઓ હાથમાં બંદૂક સાથે સજ્જ જોવા મળે છે. બીજી તરફ મુખ્ય અભિનેતા યશ સોની એક સાદા સીધા શિક્ષકના વેશમાં છે. તે કહે છે કે, શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેના ખોળામાં ઉછરે છે, હું કંઈક આવો જ શિક્ષક છું. તે ગામની મહિલાઓને બેંકના અન્યાય સામે લડવા માટે પ્રેરણા આપે છે. ફિલ્મના સંવાદો ફિલ્મમાં આગળ શું થશે તેની આતુરતા દર્શાવે છે. પ્રશ્ન એ છે કે, શું તેઓ આ સાહસિક મિશનમાં સફળ થશે કે સીસ્ટમની જાળમાં ફસાઈ જશે? આ પ્રશ્નનો ઉત્તર જાણવા ફિલ્મ જોવી રહી.

બોલીવૂડના જાણીતા નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનોખી કહાની સાથે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મના ‘તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે…’ ગીતે દર્શકોમાં ધૂમ મચાવી દીધી છે. જાનકી બોડીવાલા પર ફિલ્માવાયેલું આ ગીતમાં તેના નટખટ અને બોલ્ડ અવતારને રજૂ કરે છે. આ ગીતમાં રાકેશ બારોટ અને જાહન્વી શ્રીમાંકરે સ્વર આપ્યો છે, તેના ગીતકાર મનુ રબારી છે. ફિલ્મમાં સંગીત કેદાર-ભાર્ગવનું છે અને તેની કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તાએ કરી છે.

હાસ્ય, સસ્પેન્સ અને હોંશિયારી દર્શાવતી આ ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ સંયુક્ત રીતે કર્યું છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ચેતન દૈયા, હીના વર્દે, મૌલિક નાયક, રાગી જાની, નિકિતા શર્મા, હીના જયકિશન, જસ્સી ગઢવી, જય ભટ્ટ, કલ્પના ગગડેકર, શિલ્પા ઠાકર, સોહની ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

નિર્માતા વૈશલ શાહ કહે છે કે, આજના દર્શકો નવીન વાર્તાઓની રાહ જોતા હોય છે. ‘ચણિયા ટોળી’ એવી જ એક ફિલ્મ છે, જે દર્શકોને જુદા જુદા ઇમોશન્સનો અનુભવ કરાવશે. અન્ય નિર્માતા આનંદ પંડિત માને છે કે, આ ફિલ્મ યુવાનો અને પરિવારોને મનોરંજન સાથે સંદેશ પણ આપે છે. દિગ્દર્શક જય બોડસ અને પાર્થ ત્રિવેદીનું કહેવું છે કે, આ ફિલ્મ ખાસ કરીને મહિલાઓને પોતાની નજીક લાગશે, કારણ કે વાર્તામાં તેઓ કેન્દ્ર સ્થાને છે.

LEAVE A REPLY