બ્રિટિશ સરકારે દેશમાં ગેરકાયદે માઇગ્રેશનને અટકાવવા માટે ભારતમાં વ્યાપક વિઝા ફ્રોડ કેમ્પેઇનનો વ્યાપ વધાર્યો છે. તમિલનાડુમાં શરૂ થયેલા એક નવા સરકારી કેમ્પેઇનનો હેતુ નકલી વિઝાના આધારે બ્રિટનમાં આવી રહેલા લોકોની સંખ્યા ઘટાડવાનો છે. આ કેમ્પેઇન અંતર્ગત બંને દેશોના લોકોને આવા કૌભાંડોથી બચાવવા અને ગેરકાયદે માઇગ્રેશનને પાયાના સ્તરેથી જ અટકાવવા માટે સહયોગ આપવામાં આવશે. ઇન્ડો-પેસિફિક પ્રધાન સીમા મલ્હોત્રાની ભારતની મુલાકાત દરમિયાન શરૂ કરવામાં આવેલું આ કેમ્પેઇન પંજાબમાં અગાઉથી જ ચાલી રહેલા પાયલોટ પ્રોજેક્ટની સફળતા પછી શરૂ કરવામાં આવ્યું છે. તેમાં વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાં લક્ષિત કાર્યવાહી, ભારતીય નાગરિકોને વિઝા કૌભાંડોથી માહિતગાર કરવા અને ખોટા એજન્ટોથી બચવામાં મદદ કરવા માટે તમિલ ભાષાના વોટ્સએપ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે.
આ કેમ્પેઇન યુકેમાં ગેરકાયદે માઇગ્રેશનને રોકવા અને દેશની સરહદોને સુરક્ષિત કરવા માટેના સરકારના વ્યાપક પ્રયત્ન દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. હોમ સેક્રેટરી શબાના મહમૂદે આશ્રય ઇચ્છુકોની સંખ્યા ઘટાડવા માટે નવા નિયમો રજૂ કર્યા છે. આ સાથે દેશમાં નિર્બળ લોકોની તસ્કરી કરનારા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ કેમ્પેઇન યુકે-ભારતની ભાગીદારીના સતત વેગને દર્શાવે છે, જે નિર્બળ લોકોની સુરક્ષા અને સરહદી સલામતીને મજબૂત બનાવવા માટે સાથે કામ કરે છે. આ કેમ્પેઇન યુકે-ભારત વિઝન 2035 પર આધારિત છે, તે એક એવી સમજૂતી છે જેમાં ગુનાઇત સંગઠનો દ્વારા થતા શોષણના નિવારણ અને અનિયમિત માઇગ્રેશનને ઘટાડવાની પ્રતિબદ્ધતા સામેલ છે.













