દેશના દરેક ઘરમાં નળથી જળ પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી જલ જીવન મિશનના અમલમાં રાજ્યોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પછી આકરી કાર્યવાહી કરાઈ છે. આ મિશનના અમલમાં ગેરરીતિ બદલ કેન્દ્ર સરકારે સાત રાજ્યોને રૂ.129.27 કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાત પર સૌથી વધુ રૂ.120.65 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમની આ મહત્ત્વપૂર્ણ યોજનામાં ગેરરીતિ કરનારા કોઇને પણ ન છોડવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્ર સરકારે 2019માં જલ જીવન મિશન (JJM) શરૂ કર્યું હતું, જેનો હેતુ પાંચ વર્ષમાં દેશના દરેક ઘરને નળથી પાણીના જોડાણો પૂરા પાડવાનો છે. ગુજરાત ઉપરાંત કેન્દ્ર સરકારે તમિલનાડુ પાસેથી રૂ.3 લાખ, ત્રિપુરા પાસેથી રૂ.1.22 કરોડ, આસામ પાસેથી રૂ.5.08 લાખ, મહારાષ્ટ્ર પાસેથી રૂ.2.02 કરોડ, કર્ણાટક પાસેથી રૂ.1.01 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ.5.34 કરોડની રિકવરી કાર્યવાહી ચાલુ કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રે ગુજરાત પાસેથી યોજનાના અમલમાં ગેરરીતિ બદલ દંડ તરીકે રૂ.120.65 કરોડની વસૂલાત ચાલુ કરી છે અને અત્યાર સુધી રૂ.6.65 કરોડ વસૂલ કર્યા છે.
સાત રાજ્યો પરના કુલ રૂ.129.27 કરોડના દંડમાંથી, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રૂ.12.95 કરોડ વસૂલ કર્યા છે.
પ્રધાનમંત્રીએ યોજના પર કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કોઈપણ નાણાકીય, પ્રક્રિયાગત અને ગુણવત્તા સંબંધિત ગેરરીતિ સામે ઝીરો ટોલેરન્સની નીતિ રાખવાની સ્પષ્ટ તાકીદ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આ મિશનમાં પારદર્શકતા અને જવાબદારી સાથે કોઇ સમાધાન ન કરવાનો આદેશ આપ્યો છે.
આ યોજનાની પ્રારંભિક ફાળવણી રૂ.3.60 લાખ કરોડ હતી, પરંતુ તેના પર અત્યાર સુધીમાં રૂ.4.33 લાખ કરોડથી વધુનો ખર્ચ થઈ ચુક્યો છે. આ યોજનાના અમલમાં કથિત ભ્રષ્ટાચારની દેશભરમાંથી ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે સરકારે જમીન પર ચકાસણી હાથ ધરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ યોજનાને 2028 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ગેરરીતિઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભંડોળની ફાળવણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યો જો ગેરરીતિ સામે કાર્યવાહી કરશે તો જ આ મિશન હેઠળ નવું ભંડોળ જારી કરાશે.













