મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજી ગુરુવાર, 28 નવેમ્બરે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીઓએ કુલ 67 ખેલાડીઓની પસંદગી કરી હતી. મેગા ઓક્શનમાં દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી તરીકે ઉભરી આવી હતી. યુપી વોરિયર્ઝે તેના ‘રાઇટ ટુ મેચ’ કાર્ડનો ઉપયોગ કરીને આ ઓલરાઉન્ડરને રૂ.3.20 કરોડમાં કરારબદ્ધ કરી હતી. એક મોટા આશ્ચર્યમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી રૂ.50 લાખની બેઝ પ્રાઈઝે પણ વેચાઈ હતી. ન્યૂઝીલેન્ડની સ્ટાર ખેલાડી એમેલિયા કેરને મુંબઈ ઇન્ડિયન્સે રૂ.૩ કરોડમાં કરારબદ્ધ કરી હતી.
હરાજીમાં દીપ્તિને માટે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ યુપી વોરિયર્સે યોગ્ય સમયે RTMનો ઉપયોગ કરીને દીપ્તિને તેના ગ્રુપમાં પાછી બોલાવી લીધી હતી. આ હરાજી બાદ દીપ્તિ, સ્મૃતિ મંધાના બાદ WPLના ઈતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી બની ગઈ હતી. આગ્રાની આ સ્ટાર હવે ફરી એકવાર યુપી વોરિયર્સનું પ્રતિનિધિત્વ કરશે.
હરાજી માટે માર્કી ખેલાડીઓની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. આઠ ખેલાડીઓમાંથી સાત ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇનને ગુજરાત જાયન્ટ્સે રૂ.2 કરોડમાં અને રેણુકા સિંહને રૂ.60 લાખમાં ખરીદી હતી.
યુપી વોરિયર્સ આ વખતે 14.50 કરોડની જંગી રકમ સાથે હરાજીમાં ઉતરી હતી અને તેણે દિપ્તી ઉપરાંત કેટલીક સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી હતી. જેમાં તાજેતરમાં વર્લ્ડ કપમાં રમેલી ઇંગ્લેન્ડની સોફી એકેલસ્ટનનો પણ સમાવેશ થતો હતો જેને 85 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સાઉથ આફ્રિકન ઓપનર અને વર્લ્ડ કપમાં સ્ટાર બનેલી લૌરા વોલવાર્ડે પણ ખાસ નોંધપાત્ર હાજરી પુરાવી હતી કેમ કે દિલ્હી કેપિટલ્સે તેને 1.10 કરોડમાં ખરીદી હતી.













