ઉદયપુર પોલીસે રવિવાર, 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં નોંધાયેલા ૩૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં લોકપ્રિય ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની મુંબઈથી ધરપકડ કરી હતી. ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને અન્ય છ લોકો પર ઉદયપુર સ્થિત ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડૉ. અજય મુરડિયા સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં અગાઉ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ડોક્ટરે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે તેમને તેમની દિવંગત પત્ની આધારિત બાયોપિક બનાવવા સહિત ફિલ્મોના રોકાણ માટે 30 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ડાયરેક્ટર આ ફિલ્મોની રિલીઝ બાદ 200 કરોડ રૂપિયા કમાવાનું વચન આપ્યું હતું.
રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે. 7 દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સંસ્થાપક ડૉ. અજય મુર્ડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ડિરેક્ટર વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ, એક સ્થાનિક વ્યક્તિ દિનેશ કટારિયા સહિત 6 આરોપીઓ વિરૂદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જારી કરી હતી.વિક્રમ ભટ્ટ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ડાયરેક્ટર છે. તેમણે ‘રાઝ’ જેવી અનેક ફિલ્મો બનાવી છે.













