સેંકડો ફ્લાઇટ્સ રદ થવાથી એરપોર્ટ પર થયેલી અંધાધૂંધી બદલ ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સામે દાખલરૂપ કાર્યવાહી કરવાની ચેતવણી આપ્યાના થોડા કલાકો પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામ મોહન નાયડુએ કહ્યું હતું કે ઇન્ડિગોના વિન્ટર ફ્લાઇટ શેડ્યૂલમાં કાપ મૂકાશે અને તેના સ્લોટ અન્ય ઓપરેટરોને આપવામાં આવશે.
દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે “અમે ઇન્ડિગોના રૂટ ઘટાડીશું. તેઓ હાલમાં 2,200 ફ્લાઇટ્સ ચલાવી રહ્યાં છે. અમે ચોક્કસપણે તેમાં ઘટાડો કરીશું.”
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોને ફ્લાઇટ્સમાં 10 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિગો દરરોજ આશરે 2,200 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેથી દરરોજ આશરે 200 ફ્લાઇટ્સમાં ઘટાડો થશે. પ્રધાને જણાવ્યું હતું કે એરલાઇને 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન 7,30,655 રદ કરાયેલા PNR માટે રૂ. 745 કરોડનું રિફંડની ગ્રાહકોને ચુકવ્યું છે.
પાયલોટને વધુ આરામ આપતા સરકારના નવા નિયમોને કારણે ઇન્ડિગો પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરી શકી નથી અને તેનાથી છેલ્લાં આઠ દિવસથી સંચાલકીય કટોકટીનો સામનો કરી રહી છે. કંપનીએ આ સમયગાળામાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે. મંગળવાર, 9 ડિસેમ્બરે છ મેટ્રો એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 422 ફ્લાઇટ્સ રદ કરી હતી.
ઇન્ડિગોએ મંગળવારે દાવો કર્યો હતો કે એરલાઇન રાબેતા મુજબ કામગીરી પર પાછી ફરી છે વીડીયો સંદેશમાં, ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સેકહ્યું હતું કે લાખો ગ્રાહકો, જેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી, તેમને પહેલાથી જ તેમના સંપૂર્ણ રિફંડ મળી ગયા છે, અને આ પ્રક્રિયા દૈનિક ધોરણે ચાલુ છે. અગાઉ, અમે 10-15 ડિસેમ્બર વચ્ચે કામગીરી સામાન્ય થવાનો સંકેત આપ્યો હતો. હું હવે પુષ્ટિ કરી શકું છું કે આજે, 9 ડિસેમ્બરથી, અમારી કામગીરીસંપૂર્ણપણે સ્થિર છે. ૫ ડિસેમ્બરે, અમે ફક્ત ૭૦૦ ફ્લાઇટ્સ ઉડાડી શક્યા હતાં. ત્યારબાદ, ધીમે ધીમે છતાં સતત સુધારો થતાં ૬ ડિસેમ્બરે ૧,૫૦૦, ૭ ડિસેમ્બરે ૧,૬૫૦, સોમવાર અને મંગળવારે ૧,૮૦૦થી વધુ ફ્લાઇટ્સ ઉડાડી શકી શક્યા છીએ.














