9 ડિસેમ્બર, 2025 ના રોજ, ઇન્ડોનેશિયાના જકાર્તામાં, આગથી નુકસાન પામેલી સાત માળની ઇમારત પાસે અગ્નિશામકો ઉભા છે. REUTERS/Ajeng Dinar Ulfiana

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવાર, 9 ડિસેમ્બરે રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી એક સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતા ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા હતાં. મૃતકોમાં પાંચ પુરુષ અને 15 મહિલાઓનો સમાવેશ થતો હતો. ઘણાના મોત ગુંગળામણને કારણે થયા હતાં.
સેન્ટ્રલ જકાર્તા પોલીસના વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ પત્રકારોને જણાવ્યું હતું કે આગ બુઝાઈ ગઈ છે અને ઇમારતની અંદર વધુ સંભવિત પીડિતોને શોધવાના પ્રયાસો ચાલુ છે.

પોલીસના જણાવ્યા મુજબ બપોરના સમયે લાગેલી આગને કારણે આખી ઈમારતમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયાં હતાં. આસપાસના લોકો અને ઓફિસ કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની શરૂઆત ઈમારતના પહેલા માળે રાખેલી બેટરીઓમાંથી થઈ હતી. કર્મચારીઓએ શરૂઆતમાં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પર કાબૂ મેળવી શકાયો નહોતો. બેટરીઓમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈને સાતમા માળ સુધી પહોંચી ગઈ હતી.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ઘણા કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક લોકો ઇમારતની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

આ ઇમારત ટેરા ડ્રોન ઇન્ડોનેશિયા નામની કંપની ઓફિસ કાર્યાલય છે. આ કંપની ખાણકામથી લઈને કૃષિ ક્ષેત્રોમાં ગ્રાહકોને હવાઈ સર્વેક્ષણ પ્રવૃત્તિઓ માટે ડ્રોન પૂરા પાડે છે. આ કંપની જાપાની ડ્રોન કંપની ટેરા ડ્રોન કોર્પોરેશનનું ઇન્ડોનેશિયન યુનિટ છે.

LEAVE A REPLY