
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ સફળ રહ્યું છે. આ સાથે જ રીલીઝ થયેલી ફિલ્મોમાં વિષય વૈવિધ્ય પણ એટલું જ વધારે જોવા મળ્યું હતું. આ વર્ષનો અંત પણ આવા જ વૈવિધ્યથી ભરેલો છે, જેમાં ગુજરાતી, હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડા ભાષાની ફિલ્મો ઉપરાંત અંગ્રેજી ફિલ્મ તેમજ એનિમેશન ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. આ મહિને કુલ 38 જેટલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
દુર્લભ પ્રસાદ કી દુસરી શાદી – 19 ડિસેમ્બર
સિદ્ધાંત રાજ સિંહ દિગદર્શિત આ ફિલ્મમાં દુર્લભ પ્રસાદ એક વિધુર વ્યક્તિ છે અને શાંતિથી એનું જીવન જીવે છે. સમય જતાં તે પોતાના પુત્રના લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ તેનો ટીનેજ પુત્ર કંઈક અલગ ઇચ્છા ધરાવે છે. તે પોતે લગ્ન કરે તે પહેલાં તેના પિતાના લગ્ન કરાવવાની તે શરત મુકે છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા, વ્યોમ યાદવ, મહિમા ચૌધરીનો અભિનય છે.
અવતારઃ ફાયર એન્ડ એશ–19 ડિસેમ્બર
વિશ્વમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ અવતારના ત્રીજા ભાગની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમ્સ કેમરનના દિગ્દર્શનમાં નિર્માણ પામેલી આ ફિલ્મમાં ઝોઈ સાલ્દાના અને સેમ વર્થિંગ્ટન મુખ્ય કલાકાર છે, અને તેનું નામ ‘અવતારઃ ફાયર એન્ડ એશ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ અંગે જેમ્સ કેમરને વચન આપ્યું હતું કે, અવતારના ત્રીજા ભાગમાં તે બધું હશે જે આજ સુધી તેની સીક્વલમાં જોવા મળ્યું નથી. આ વખતે ફિલ્મમાં ઘણી ઈમોશનલ બાબતો જોવા મળશે.
તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી – 25 ડિસેમ્બર
આ ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદ્વાન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની કથા મુજબ એક વેડિંગ પ્લાનર અને એક લેખક અચાનક ક્રોએશિયામાં મળી જાય છે, જ્યાં તેમની શરૂઆત તો ઝઘડા સાથે થાય છે. પરંતુ ધીરે ધીરે તેમની વચ્ચે પ્રેમ થાય છે. પરંતુ ભારતમાં તેમના માટે સાથે રહેવું તેમના પરિવારોને કારણે મુશ્કેલ બને છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સિવાય નીના ગુપ્તા, જેકી શ્રોફ અને ટિકુ તલસાણિયા મહત્વની ભૂમિકામાં છે.
વૃષભા–25 ડિસેમ્બર
આ ફિલ્મના દિગ્દર્શક નંદા કિશોર છે. ફિલ્મની કહાની મુજબ હીરા વેપારી અને તેમનો પુત્ર પોતાના પૂર્વજોના ગામ જવા નીકળે છે. જોકે, તેમને વચ્ચે તેમના પૂર્વ જન્મના દૃશ્યો દેખાવા લાગે છે. તેમને સમજાય છે કે, તેઓ એકબીજાના દુશ્મન છે, અને હવે તેઓ પોતાની યાદો સાથે નવા જન્મનો સંબંધ નીભાવે છે. આ ફિલ્મમાં જાણીતા પીઢ અભિનેતા મોહનલાલ સાથે સમરજીત લંકેશ, નયન સારિકા, રાગિણી દ્વિવેદી, અજય, અલી, નેહા સક્સેના, વિનય વર્મા, રામચંદ્ર રાજુ છે.
ઇક્કિસ–25 ડિસેમ્બર
આ ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દેશના સૌથી યુવાન પરમવીર ચક્ર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની બહાદુરી પર આધારિત છે, જે સ્વ. ધર્મેન્દ્ર અને સ્વ. અસરાનીની અંતિમ ફિલ્મ છે. આ ફિલ્મમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. જેમાં અગત્સ્ય નંદા, જયદીપ આહલાવત, સુહાસિની મૂળે, સિકંદર ખેર, રાહુલ દેવ, વિવાન શાહ, દીપક ડોબરિયાલનો અભિનય છે.
એનાકોંડા–25 ડિસેમ્બર
આ ફિલ્મનું દિગ્દર્શન ટોમ ગોર્મિકને કર્યું છે. ડગ અને ગ્રિફ બે મહત્વાકાંક્ષી મિત્રો છે, જે જોખમી નિર્ણયો લે છે. તેમને કંઇક નવું કરવું હોય છે, તેથી તેઓ એમેઝોનના જંગલોમાં જાય છે. આ ફિલ્મ 1997ની ફિલ્મ એનાકોંડાની સીક્વલ છે. તેમને ખબર નથી કે, એક વિશાળ એનાકોંડા એમની રાહ જોઈ રહ્યો છે અને પછી અફરાતફરી સર્જાય છે. આ ફિલ્મમાં પોલ રુદ્દ, સ્ટીવ જોન, થાંડિવ ન્યુટન, ડેનિએલા મલ્કર અને સેલ્ટન મેલો મહત્વની ભૂમિકામાં છે.












