ઓસ્ટ્રેલિયાના સીડનીમાં બોન્ડી બીચ હત્યાકાંડના બન્ને શકમંદો – 50 વર્ષના પિતા સાજિદ અક્રમ તથા એનો 24 વર્ષના પુત્ર નાવીદ અક્રમે આખો નવેમ્બર મહિનો ફિલિપાઈન્સમાં વિતાવ્યો હોવાનું મનિલા ખાતેના દેશના ઈમિગ્રેશન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. તેમણે આપેલી એક ચોંકાવનારી વિગત મુજબ સાજિદે ફિલિપાઈન્સમાં “ભારતીય નાગરિક” તરીકે પ્રવેશ મેળવ્યો હતો.
મોડેથી મળતા અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીએ હૈદરાબાદ પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, સીડનીમાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલો હુમલાખોર સાજિદ મૂળ ભારતીય, દક્ષિણ ભારતના હૈદરાબાદનો હતો. જો કે, ભારતમાં તેના પરિવાર સાથે તેના સંપર્કો ખૂબજ મર્યાદિત હતા.
તેલંગણા પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે, સાજિદના પરિવારજનોએ તેના કટ્ટરવાદી માનસ કે પ્રવૃત્તિઓ વિષે તેઓ કશું જ જાણતા નહીં હોવાનુ તેમજ તે કયા સંજોગોમાં કટ્ટરવાદ તરફ ઢળ્યો તે વિષે પણ તેમને કોઈ માહિતી નહીં હોવાનું કહ્યું હતું.
સાજિદ અને નાવીદ 1લી નવેમ્બરે ફિલિપાઈન્સ પહોંચ્યા હતા અને ત્યાં દક્ષિણના ડાવાઓ પ્રાંતમાં રોકાયા હતા. ફિલિપાઈન્સ ઈમિગ્રેશનની મહિલા પ્રવકત્તા દાના સેન્ડોવલે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, સાજિદ ભારતીય નાગરિક અને નાવીદ ઓસ્ટ્રેલિયન નાગરિક તરીકે ઓસ્ટ્રેલિયાના સીડનીથી ત્યાં પહોંચ્યા હતા. બન્ને 28 નવેમ્બરે ત્યાંથી રવાના થયા હતા.
બોન્ડી બીચ હત્યાકાંડ પછી પોલીસ ગોળીબારમાં સાજિદનું મોત નિપજ્યું હતું, તો નાવીદ ગંભીર રીતે ઘવાયેલો છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.














